હેરોઈન મળવાનો સિલસિલો યથાવત:જામનગરમાંથી 10 કરોડની કિંમતનું બે કિલો હેરોઈન ઝડપાયું, દરિયાકાંઠે જમીનમાં છુપાવાયો હતો જથ્થો

જામનગર15 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીઓએ જખૌના દરિયામાંથી લાવવામાં આવેલા હેરોઈનનો જથ્થામાંથી અમુક જથ્થો સંતાડી રાખ્યો હતો
  • ATSની ટીમે 2 કિલો હેરોઈન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

જામનગરના બેડી રોડ પાસેથી વધુ 10 કરોડનો હેરોઈનનો જથ્થો ATSની ટીમે ઝડપી પાડ્યો છે. સલાયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ હજુ પણ કેફી દ્રવ્યોનો જથ્થો મળવાનો સીલસીસો સતત ચાલું છે. દ્વારકાના નાવદ્રામાં 120 કરોડનું હેરોઈન ઝડપાયા બાદ આજે સોમવારે જામનગરમાંથી વધુ 2 કિલો હેરોઈન ઝડપાયું હતું. જેની કિંમત આશરે 10 કરોડ છે. ATS અને લોકલ પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી આ હેરોઈન ઝડપી પાડ્યું હતું.

પૂછપરછમાં બેડી બંદરમાં ડ્રગ્સ હોવાનું સામે આવ્યું​​​​​​​
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર સલાયા સહિતના વિસ્તારમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કાંડના આરોપીઓની પૂછપરછમાં જામનગરના બેડી બંદરમાં ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આ જગ્યાએથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્ર્ગ્સ કાંડના આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. ATSની ટીમે 4 આરોપીઓની અટકાયત કરી છે. તેઓના રિમાન્ડ લેવા માટે નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરવામાં આવ્યાં હતા. જ્યા નામદાર કોર્ટે તેઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અમુક જથ્થો રહિમ હાજીએ પોતાની પાસે સંતાડી રાખ્યો હતો
આ આરોપીઓના રિમાન્ડ દરમિયાન તેઓની પૂછપરછ હાથ ધરાતા જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલો આરોપી રહિમ હાજીએ આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી અનવર સાથે બોટ લઈ જખૌના દરિયામાંથી હેરોઈનનો જથ્થો લાવ્યો હતો. આ સદર જથ્થામાંથી અમુક જથ્થો રહિમ હાજીએ પોતાની પાસે સંતાડી રાખ્યો હતો. જેથી ATSની ટીમે લોકલ પોલીસને સાથે રાખી રહીમ હાજીના જણાવ્યાં મુજબ જામનગર બેડી રોડ ખાતેથી વધુ 2 કીલો હેરોઈનનો જથ્થો શોધી કાઢી કબજે કરવામાં આવ્યો છે. જેની કિંમત આશરે રૂપિયા 10 કરોડ છે. આ અંગે હાલ ATSની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...