સંક્રમણની આગ:શહેરમાં 40 + જિલ્લામાં 10 = 50 કેસ, શહેર-જિલ્લામાં કોરોનાની અડધી સદી

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અલિયાબાડા ગામની નવોદય વિદ્યાલયના 3 શિક્ષકો સંક્રમિત થતાં સપ્તાહ માટે શાળા બંધ

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ આગની જેમ ફેલાતા એક દિવસમાં 50 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. 24 કલાકમાં શહેરમાં 40 અને જિલ્લામાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. અલિયાબાડાની નવોદય વિધાલયના ત્રણ પરપ્રાંતિય શિક્ષકો સંક્રમીત થતાં શાળા સપ્તાહ માટે બંધ કરવામાં આવી છે. જામનગર શહેરમાં કોરોનાની ગતિ ખૂબ જ તેજ બની છે. છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોનાના કેસ દિન-પ્રતિદિન બમણા થતાં જાય છે. શુક્રવારે શહેરમાં 40 પોઝિટિવ કેસ નોંધાતા મહાનગરપાલિકાનું તંત્ર ઊંધામાથે થયું છે અને આરોગ્ય વિષયક પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

સાથોસાથ કોવિડ ટેસ્ટ વધારવા ની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. શહેરના 12 દર્દી કે જે અગાઉ કોરોના સંક્રમિત થયા હતા, અને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા હતા તે તમામ દર્દીને મનપા દ્વારા કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં. જી.જી હોસ્પિટલમાં કોરોનાના 10 દર્દી સારવાર મેળવી રહ્યા છે. જે પૈકી બે દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પાંચ દિવસ દરમિયાન કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. જિલ્લામાં 24 કલાકમાં વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ધ્રોલનો -1, જામનગર ગ્રામ્ય વિસ્તારના -3 અને જામજોધપુરના-6 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે.

અલિયાબાડા વિસ્તારમાં આવેલી નવોદય વિદ્યાલય કે જેના ત્રણ શિક્ષકો જેમાં બે મહિલા અને એક પુરૂષ છે તે ત્રણેયના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોમ આઇશોલેશન કરાયા છે. વિદ્યાલયને એક સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શહેરના ઢીંચડા રોડ પર આવેલી નંદ નિકેતન શાળા અને સત્યાસાંઇ શાળાએ તકેદારીના ભાગરૂપે એક સપ્તાહ માટે શાળાને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

કલા મહાકુંભની તમામ સ્પર્ધાઓ મોકૂફ
કલા મહાકુંભનું રજીસ્ટ્રેશન તા.6 જાન્યુઆરીના પૂર્ણ થયું છે.પરંતુ કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ વધતા સરકાર દ્વારા તમામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે. જે અન્વયે જામનગરની તાલુકા,ઝોન તેમજ શહેર-જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે તેમ જિલ્લા રમત-ગમત અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...