મેઘરાજાનો મુકામ:હાલારમાં સતત ચોથા દિવસે એકથી 7 ઇંચ વરસાદ, રાજકોટના 3 સહિત 7 ડેમ છલોછલ : 37 ગામડાના લોકોને સાવચેત કરાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાસાવડી નદીમાં પૂર આવતાં રોડ પરથી પાણી ફરી વળ્યા હતા. જેથી વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. - Divya Bhaskar
વાસાવડી નદીમાં પૂર આવતાં રોડ પરથી પાણી ફરી વળ્યા હતા. જેથી વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો.
  • દરિયાકિનારાના શહેરોમાં 5 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના
  • સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી થઇ રહેલી અવિરત મેઘકૃપાને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર, હજુ વાવેતર વધશે
  • રાજકોટના 3, જામનગરના 3 ડેમ છલોછલ, ઉમિયાસાગર ઓવરફ્લો, ઉપરવાસના વરસાદને કારણે નવાં નીરની આવકો ​​​​​​​

જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકમાં સતત ચોથા દિવસે પણ વરસાદે મુકામ કર્યો હતો જેમાં યાત્રાધામ દ્વારકામાં રાત્રીથી મંડાયેલા મેઘરાજાએ શુક્રવાર સાંજ સુધીમાં સાત ઇંચ જેટલું પાણી વરસાવી દેતા માર્ગો પાણી પાણી થયા હતા.ગ્રામ્ય પંથકમાં પણ ધીંગો વરસાદ વરસ્યો હતો.જોડિયા પંથકમાં પણ મેઘરાજાએ રાત્રી મુકામ કર્યા બાદ દિવસભર વરસેલા વરસાદે સાડા છ ઇંચ પાણી ઠાલવી દીધું હતું.

જ્યારે કલ્યાણપુરમાં વધુ સાડા ચાર ઇંચ, ખંભાળિયામાં વધુ સવા ચાર ઇંચ,ભાણવડ,જામજોધપુર અને કાલાવડ પંથકમાં અઢીથી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં દિવસભર સમયાંતરે વરસેલા હળવા ભારે વરસાદે એક ઇંચથી વધુ વરસાદ વરસાવી દીધું હતું.જયારે ધ્રોલ અને લાલપુર પંથકમાં સવાથી દોઢ ઇંચ વરસાદ સાંજ સુધીમાં પડ્યો હતો.

રાજકોટ જિલ્લામાં શુક્રવારે પણ ઝાપટાંથી માંડી અઢી ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળે છે. જેમાં જામકંડોરણામાં દોઢ, જ્યારે ગોંડલ અને ધોરાજી, જેતપુર અને ઉપલેટા પણ બેથી અઢી ઇંચ વરસાદથી ભરપુર ભીંજાયા હતા. ઉપલેટા નજીકના મોટીપાનેલીમાં અઢી ઇંચ વરસાદ પડ્યાના અહેવાલ છે. બીજી તરફ મોરબી જિલ્લા પર વરસાદે વ્યાપક હેત રાખ્યું નથી અને 24 કલાકમાં 5 મીમીથી માંડી 32 મીમી સુધી વરસાદ પડ્યો હતો.

ભાદર-2 ડેમ 90 ટકાથી વધારે ભરાઇ ગયો છે, ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ હોવાથી ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા, માણાવદર તાલુકાના વેકરી, ચીખલોદરા, બિલડી, વાડાસડા કુતિયાણા તાલુકાના રોધડા, ચીંટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, ચીકાસા, નવીબંદર, મિત્રાળા સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તાકીદ કરવામાં આવી છે.

સિંચાઇ વિભાગની માહિતી મુજબ શુક્રવારે રાત્રે 9 કલાકે રાજકોટનો ભાદર-બે 90 ટકા, આજી-2 છલોછલ અને ફોફળ-એક 90 ટકા ભરાઇ ગયો છે. જ્યારે જામનગર જિલ્લાનો ફોફળ-બે 90 ટકા, ઊંડ ડેમ છલોછલ અને ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતા બે દરવાજા ખોલવામાં આવ્યા છે. છેલ્લા 36 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના 15 ડેમ, મોરબીના 6, જામનગરના 14, દ્વારકાના 11 જળાશયમાં સામાન્યથી લઇ 13.12 ફૂટ સુધી નવાં નીરની આવક નોંધાઇ છે.

રાજકોટ જિલ્લામાં ટેન્કરયુગ સમાપ્ત!
રાજકોટ જિલ્લામાં ચોમાસામાં સચરાસર વરસાદ પડવાનું શરૂ થતા રાજકોટ, લોધિકા, જસદણ, વીંછિયા સહિતના તાલુકાઓમાં અંદાજિત છેવાડાના વીસેક ગામડાંઓમાં દોડાવાતા પાણીના ટેન્કરો બંધ કરી દેવાયા છે. પાણી પુરવઠા વિભાગ મુજબ પાંચ ઇંચ વરસાદ પડે એટલે ટેન્કર બંધ કરી દેવાનો પરિપત્ર હોઇ, તેના આધારે ટેન્કર બંધ કરી દેવામાં આવ્યા છે.જિલ્લા પંચાયતના ડિઝાસ્ટર કંટ્રોલમાં શુક્રવારે બપોર સુધીમાં ગોંડલમાં 6, કોટડાસાંગાણીમાં 3, જેતપુરમાં 20, જામકંડોરણામાં 16, ધોરાજીમાં 50 મીમી વરસાદ નોંધાયો હતો.

પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હાલ ટેન્કરયુગ સમાપ્ત થયો છે, મોટાભાગના છેવાડાના ગામોમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે. છેલ્લી સ્થિતિએ લોધિકા, રાજકોટ, જસદણ, વીંછિયા પંથકના છેવાડાના વીસથી વધુ ગામડાંમાં અંદાજે ટેન્કરના ચાલીસથી વધુ ફેરા દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું, જે ટેન્કરની કામગીરી હવે બંધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...