જામનગર સહિત હાલારના અમુક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં કાલાવડના ખરેડી,નિકાવા, ડેરી સહિતના ગ્રામ્ય પંથકમાં વિજળીના કડાકા ભડાકા અને ગાજવિજ સાથે જોરદાર વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા. જયારે પીપર પંથકમાં કરા સાથે વરસાદ પડયાના અહેવાલ સાંપડયા છે. જામનગર શહેરમાં શનિવારે મઘરાતે સામાન્ય વરસાદી છાંટાઓ પડયા હતા.જોકે, રવિવારે મોડી સાંજે પણ કાલાવડના અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી છાંટાઓ વરસ્યા હતા.
જે બાદ સતત બીજા દિવસે સોમવારે પણ કાલાવડ પંથકમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ખરેડી, નિકાવા, ડેરી,ખડ ખોરાજી, આણંદપર, વડાળા સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદી ડોળ સાથે વિજળીના કડાકા ભડાકા અને ગાજવિજ સાથે હળવા ભારે વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા.
કાલાવડના પીપર પંથકમાં તો કરા સાથે વરસેલા કમૌસમી વરસાદે માર્ગો પર પાણી વહેતા કરી દિધા હતા.જયારે ખરેડી-નિકાવા પંથકમાં મેઘાવી માહોલ વચ્ચે કમૌસમી વરસાદ પડયાના અહેવાલ મળ્યા છે.ડેરી પંથકમાં જોરદાર વરસાદી ઝાપટાઓથી માર્ગો પર પાણી વહેતા થયા હતા.જેના પગલે ખેડુતોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
પાકમાં નૂકશાનની ભિતીથી ખેડુતો ચિંતિત
કાલાવડ પંથકમાં કમૌસમી વરસાદથી ખેડુતો ચિંતીત બન્યા છે.ખેતરોમાં હાલ ઘંઉ,ચણા, જીરૂ, મેથી સહિતના ઉભા પાકને કમૌસમી વરસાદથી નુકશાનની ભિતીના પગલે અમૂક ગ્રામ્ય પંથકના ખેડુતો ચિંતામાં મુકાઇ જવા પામ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.