તંત્ર કુંભકર્ણની નિદ્વામાં:જોડિયામાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા રાત્રે અંધારાનું સામ્રાજ્ય

જોડીયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7-7 દિવસ સુધી પાણી વિતરણ ઠપ્પ, લોકોને ભારે હાલાકી

જોડીયા તાલુકા મથક હોવા છતા સ્થાનિક તંત્ર દ્વારા લાઇટ,પાણી જેવી પાયાની સવલત મામલે ઉદાસીનતા સેવવામાં આવતી હોવાનો આક્રોશ સ્થાનિક લોકોમાં ઉઠયો છે.લાંબા સમયથી સ્ટ્રીટલાઇટ બંધ હોવાથી માર્ગો પર રાત્રીના પગરવ સાથે જ અંધારપટ્ટ સર્જાય છે.તો પીવાના પાણીનુ પણ વિતરણ સાત દિવસથી બંધ થતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.જોકે,આમ છતા સતાધિશોના પેટનુ પાણી હલતુ ન હોવાનો સુર ગામ લોકોમાં ઉઠયો છે.

જોડીયા ગામમાં લગભગ છેલ્લા બે વર્ષથી સ્ટ્રીટલાઇટ મહદઅંશે બંધ છે તો પાણી વિતરણ પણ સાત સાત દિવસ સુધી બંધ રહે છે.એમાંય અમુક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ભૂર્ગભ જળ મિશ્રિત થતુ હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે.થોડા સમય પુર્વે ગામમાં બ્લોક નાખવામાં આવ્યા છેજેમાં પણ અમુક વિસ્તારોમાં લોલમલોલ ચલાવી નબળા કામ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ ઉઠયો છે. તાલુકાનુ વડુ મથક હોવા છતા જોડીયાને જોડતી અમુક બસો બંધ કરી દેવામાં આવી છે.

જયારે કંટ્રોલ પોઇન્ટ મંજુર થયો હોવા છતા ધ્રોલ ડેપો દ્વારા કોઇ એસટી કર્મીની નિમણુંક કરાઇ ન હોવાથી હાલ માત્ર નામનુ બસ સ્ટેન્ડ બની રહયુ છે જયારે કોઇ ઘણી ધોરી ન હોવાથી બસ સ્ટેન્ડમાં પણ ઠેર ઠેર ગંદકી જોવા મળે છે.લગભગ બે વર્ષ પુર્વે જી.પ.ની ચુંટણી વેળાએ શાસક જુથ દ્વારા લક્ષ્મીપરા અને બજારના રોડનુ કામ 30 દિવસમાં શરૂ કરી અપાશે એવા વાયદા કર્યા બાદ બે વર્ષ વિત્યા છતા હજુ કામ થયા ન હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે. અંદરોઅંદરની ખેંચતાણના કારણે પાયાની સવલતમાં પણ શાસકોની ભારે ઉદાસીનતાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.

અન્ય સમાચારો પણ છે...