ગરમાવો:ધ્રોલ નગરપાલિકાનાં વોર્ડ નં. 5ના ભાજપના સભ્યએ કામો ન થતાં હોવાથી રાજીનામું આપ્યું

ધ્રોલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર ભાજપમાં ઉકળતો ચરૂ, અસંતોષની આગ કોને કોને દઝાડશે ? ચર્ચા
  • સ્થાનિક રાજકારણમાં ભર શિયાળે ભારે ગરમાવો, સોશિયલ મીડિયાના પક્ષના ગ્રુપમાં રાજીનામુ લખી મોકલ્યું

ધ્રોલમાં ભાજપ શાસીત નગરપાલિકામાં ભાજપનાં ચુંટાયેલા સભ્યોમાં કામો ન થવાની ફરીયાદો ઉઠવા પામી છે. આથી પાલિકા સભ્યોમાં અસંતોષ ઉભો થવા લાગ્યો છે. ધ્રોલનાં વોર્ડનં ૫ના સદસ્યે પોતે સુચવેલા કામો ન થતા સોશ્યલ મીડીયા મારફત ધ્રોલ શહેર ભાજપ પ્રમુખને ભાજપનાં તમામ પદો ઉપરથી રાજીનામુ આપ્યું હોવાનુ સામે આવ્યુ છે. આથીશહેર ભાજપ અને પાલિકા સભ્યોમાં હડકંપ મચી ગયો છે. આ બાબતે કાર્યકરો અને લોકોમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.

ધ્રોલમાં ભાજપમાં કથિત જુથવાદ અને વ્હાલા દવલાની નિતિ સામે આવી છે. નગરપાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી છે. ત્યારે પાલિકામાં અમુક સભ્યોનાંઅને અમુક વોર્ડનાં જ કામો વધુ થતા રાવ ઉઠી રહી છે. વોર્ડનં પ નાં સદસ્ય ભરતભાઇ વાણીયાએ પોતાનું સોશ્યલ મીડીયાનાં ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં લખી પોતાનું ભાજપનાં તમામ પદો ઉપરથી રાજીનામું શહેર ભાજપ પ્રમુખને લખી મોકલ્યું છે. રાજીનામું ગ્રુપમાં લખ્યા બાદ તેઓ ગ્રુપ માંથી પણ નીકળી ગયા હતા.

આ અગાઉ પણ શહેર ભાજપનાં ગ્રુપમાં પોતે સુચવેલા કામો થતા ન હોવાનો બળાપો કાઢ્યો હતો. આ રાજીનામાની વાત વાયરલ થતા બાબત ચર્ચાનાં ચકડોળે ચળી હતી. શહેર ભાજપનાં આગેવાનો અને ભાજપનાં અન્ય નેતાઓ ભરતભાઇને સમજાવટમાં લાગી ગયાની ચર્ચાએ જોર પકડયું છે. આ બાબતે સમાધાન થશે કે નહીં તે પણ લોકોમાં ચર્ચાય રહ્યું છે. શહેર ભાજપનો ઉકળતો ચરુ કોને દઝાડી જાય તે જોવાનું રહ્યું.

મારા સુચવેલા કામો થતા નથી:પાલિકા સભ્ય
મેં સુચવેલા કામો ખારવા રોડ, આંબેડકર નગર, ચામુંડા નગર વિગેરે વિસ્તારોમાં છેલ્લા ૩૫ વર્ષથી લોકો વસવાટ કરે છે. તે વિસ્તારોમાં લોકોની પ્રાથમિક જરુરીયાત જેવી કે પાણી, ગટર, રોડ જેવી એકપણ સુવિધા નથી. મેં અનેક વખત આ બાબતે રજુઆતો કરી છે. પરંતુ અન્ય વિસ્તારોનાં કામો થાય છે. તો મેં સુચવેલ વિસ્તારોનાં શા માટે નહીં ? આથી મેં હાલ તો સોશ્યલ મીડીયામાં શહેર ભાજપ પ્રમુખને રાજીનામુ મોકલ્યું છે. > ભરતભાઇ વાણીયા, સભ્ય, વોર્ડનં ૫, ધ્રોલ નગરપાલિકા.

ક્રમવાર કામો પ્રગતિ હેઠળ કરવામાં આવનાર છે: પ્રમુખ
ગ્રાન્ટમાંથી વોર્ડવાઇઝ કોર્પોરેટરો કામો નક્કી કરતા હોય છે. આંબેડકર નગર, ચામુંડા નગર, ખારવારોડ પર ITI પાછળનો વિસ્તારમાં પાઇપલાઇન મંજુર થઇ ગઇ છે. ભૂગર્ભ ગટર, પેવર બ્લોકના કામો ક્રમવાર પ્રગતિ હેઠળ કરવામાં આવનાર છે. - જયશ્રીબેન પરમાર, પ્રમુખ, નગરપાલિકા.

પ્રશ્નનુ સાથે બેસી નિરાકરણ લાવીશુ:શહેર ભાજપ પ્રમુખ
ભરતભાઇ વાણીયાએ સોશ્યલ મીડીયાનાં માધ્યમથી મને રાજીનામાની જાણ કરી છે. પાર્ટીમાં મતભેદ તો હોય શકે અને કોઇપણ પ્રશ્નનું નિરાકરણ પણ હોય. ભરતભાઇ વોર્ડનં પનાં સભ્ય અને સંનિષ્ઠ કાર્યકર છે સાથે બેસીને પ્રશ્નનું નિરાકરણ લાવશુ. - સમીરભાઇ શુક્લ, પ્રમુખ, શહેર ભાજપ.

અન્ય સમાચારો પણ છે...