લતીપુર ગ્રામ પંચાયત ચૂંટણી:સરપંચ પદ માટે સૌથી વધુ 9 ઉમેદવારો

ધ્રોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રોલ તાલુકામાં 11 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 18,279 મતદારો કરશે મત્તાધિકારનો ઉપયોગ
  • પોલીસ-હોમગાર્ડઝ સહિત 95નો સ્ટાફ તૈનાત

ધ્રોલ તાલુકાની 11 ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સરપંચ અને સભ્યપદ માટે બેલેટ પેપરથી રવિવારે મતદાન યોજાશે. તાલુકાની કુલ 16 ગ્રામ પંચાયતોની ચુંટણીમાં 5 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 11 ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે. આ ચુંટણીમાં 8 સરપંચપદ અને 49 સભ્યપદ માટે ચુંટણી યોજાશે. ગ્રામપંચાયતોનાં કુલ 18,279 મતદારો મતદાન કરશે. ગ્રામ પંચાયતની ચુટણી માટે 7 ચુંટણી અધિકારી, 9 મદદનીશ ચુટણી અધિકારી, 162 કર્મચારીનો પોલિંગ સ્ટાફ અને ડી.વાય.એસ.પી., પી.આઇ. પી.એસ.આઇ સહિત 95 નો પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.

ધ્રોલ તાલુકાની કુલ 16 ગામોની ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર હતી. તેમાંથી તાલુકાનાં કાતડા, બીજલકા, ગોલીટા, માવાપર અને વાંકિયા ગામો સમરસ થતાં 11 ગામોની ચુંટણી યોજાનાર છે. તેમાં સગાળીયા, ધરમપુર અને મોડપરમાં માત્ર સભ્ય પદ માટે ચુંટણી યોજાશે. જયારે લતિપુર, લૈયારા, સોયલ, સણોસરા, મોટા ઇટાળા, માણેકપર, હમાપર અને સુધાધુના ગામે સરપંચ અને સભ્યપદ માટે ચુંટણી યોજાશે. તેમા સરપંચ પદ માટે લતિપુરમાં સૌથી વધુ 9 ઉમેદવારોએ ચુંટણી જંગમાં જંપલાવ્યું છે.

ધ્રોલ તાલુકાનાં 11 ગામોનાં 9460 પુરુષ અને 8819 સ્ત્રી મળી 18279 મતદારો કુલ 28 મતદાન મથકો પર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે. 28 મતદાન મથકો પર 7 ચુંટણી અધિકારી, 9 મદદનીશ ચુંટણી અધિકારી, 162 કર્મચારીઓનો પોલિંગ સ્ટાફ અને એક ડીવાયએસપી, એક પી.આઇ. બે પી.એસ.આઇ. 4 એસ.આર.પી., 37 પોલીસ સ્ટાફ અને 50 હોમગાર્ડઝ મળી કુલ 95 પોલીસ સ્ટાફ ફરજ બજાવનાર છે. ધ્રોલ પ્રાંત અધિકારી એચ.પી. જોષી અને મામલતદાર બી. એન. કણજારીયાની નિગરાની હેઠળ ધ્રોલની હરધોળ હાઈસ્કુલ ખાતે કંટ્રોલ રુમ ઉભો કરાયો છે. ગ્રામ પંચાયતોની ચુંટણી માટે ચાર રુટ બનાવવામાં આવ્યા છે. તા. 21 મી ડિસેમ્બરે હરધોળ હાઇસ્કુલ ખાતે મતગણતરી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...