ધ્રોલના રાધે પાર્કમાં રહેણાંક મકાનમાં મકાન માલિક ઉપરના માળે સુતા હતા. ત્યારે નીચેના માળે ત્રાટકેલા તસ્કરો દરવાજાનો લોક તોડી મકાનનાં કબાટમાંથી એક લાખ વીસ હજારની માતબર રોકડ રકમ સાથે સોનાચાંદીનાં દાગીના અને પાડોસીનું બાઇક મળી રૂ.1.84 લાખની મતાની ચોરી કરી ગયા હતાં. આ બનાવની જાણ થતા ઘટનાસ્થળ પર દોડી ગયેલી પોલીસે સીસી ટીવી ફુટેજ તેમજ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.મોઢે કપડુ બાંધેલા શખસો ફુટેજમાં કેદ થયાનુ સામે આવ્યુ છે.
ધ્રોલનાં જોડીયા રોડ પર રાધે પાર્કમાં રહેતા નિવૃત કર્મચારી વિજયભાઇ મહાશંકરભાઇ રાવલ પોતાના પત્ની અને પુત્ર સહીત તા. 2ના રાત્રે પોતાના બે માળના મકાનમાં નીચેના દરવાજે તાળુ મારી ઉપરના માળે સુવા માટે ગયા હતાં. જે દરમ્યાન રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. વહેલી સવારનાં ચારેક વાગ્યે તુરંત જ વિજયભાઇનાં પત્ની કોકીલાબેન ઉઠી ગયા હતા.તેમણે નીચેના માળનો ઓસરીનો મેઇન દરવાજો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને મેઇન દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો.જયારે મકાનમાં અંદરના રુમોની લાઇટો ચાલુ હતી. આથી તેઓએ પુત્ર તથા પતિને ઉઠાડ્યા હતા તેમજ મકાનમાં ચોરી થયાનું માલુમ પડયું હતું. રૂમમાં કબાટનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો સાથે તમામ ચીજવસ્તુઓ વિખરાયેલી જોવા મળી હતી. જેથી પરિવાર હતપ્રભ બન્યો હતો.
ઘરમાંથી રૂ.એક લાખની રોકડ રકમ ઉપરાંત સોનાનો ચેઇન, જુની ત્રણ વિંટી, દાણા, બંગડીની જોડી,કડીની જોડી,ચાંદીના સાંકળા, બુટી લટકણીયા, લકકી, કંદોરો, માળા-4 સહિત રૂ.67,500ના સોના-ચાંદીના સહિત ઘરવખરી મળી રૂ.1,69,500ની મતા ચોરી કરી લઇ ગયાનુ બહાર આવ્યુ હતુ. જયદિપભાઇ રાવલની ફરીયાદ પરથી પોલીસે અજ્ઞાત શખસો સામે ગુનો નોંધી તેને સકંજામાં લેવા કવાયત શરૂ કરી છે.
તસ્કર ટોળકી તેલનો ડબ્બો, બાઇક પણ ઉઠાવી ગ્યા…
તસ્કર ટોળકીએ જુદા જુદા ત્રણ મકાનમાં પરોણા કર્યાનુ સામે આવ્યુ છે જેમાં એક સિંગતેલનો ડબ્બો ઉપરાંત પાડોશી સંદિપભાઇ અગ્રાવતનુ રૂ. 15 હજારનુ બાઇક પણ હંકારી ગયાનો બનાવ સામે આવ્યો છે.ઉપરાંત અન્ય એક મકાનના પણ તાળા તોડયાનુ બહાર આવ્યુ છે જયાં સીસીટીવી કેમેરામાં બુકાનીધારી તસ્કર ટોળકીના અમુક શખસો કેદ થયાનુ જાણવા મળ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.