શ્રાવણે શિવ દર્શન:શિવને પ્રિય શ્રવણ યોગ્ય શ્રાવણ માસ અને તેનું મહાત્મ્ય, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ

ધ્રોલ12 દિવસ પહેલાલેખક: જયેશ ભટ્ટ
  • કૉપી લિંક

શ્રાવણ માસને બારેય મહિનામાં અધિક મહત્વ અપાયું છે. વર્ષાઋતુનાં વરસાદ પછી આ મહિનામાં સર્વત્ર લીલોતરી છવાયેલી હોય છે. વાતાવરણ આહ્લાદક બન્યું હોય છે. ન અતિ તાપ હોય કે ન અતિ ઠંડી હોય. ખાસ તો શ્રાવણમાસ મહાદેવનો અધિક પ્રિય માસ મનાય છે. શ્રાવણમાસના મહત્વનું વર્ણન કરતાં સ્કંદપુરાણમાં વર્ણવ્યું છે કે,

શ્રવણાર્હં વન્માહાત્મ્યં તતોડસૌ શ્રાવણોમતઃ શ્રવણર્ક્ષં પૌર્ણમાસ્યાં તતોડપિ શ્રાવણઃ સ્મૃતઃ યશ્ચ શ્રવણ માત્રૈણ સિદ્ધિદઃ શ્રાવણોપ્યતઃ સ્વચ્છત્વાશ્ચ નભસ્તુલ્યો નભા ઇતિ તતઃ સ્મૃતઃ

શ્રાવણ માસ કામના અનુસાર ફળ આપનાર
શ્રવણ યોગ્ય હોવાથી શ્રાવણ એવું નામ પડ્યું છે. શ્રાવણની પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્રનો યોગ થતો હોવાના કારણે પણ શ્રાવણ કહેવાય છે. શ્રવણ માત્રથી સિધ્ધિ આપનાર હોવાથી પણ શ્રાવણ કહેવાય છે. આ મહિનામાં આકાશ મુખ્યત્વે ચોખ્ખુ રહેતુ હોવાથી તેને નભા નામ પણ અપાયું છે. શ્રાવણ માસ કામના અનુસાર ફળ આપનાર છે. શિવને શ્રાવણમાસથી અધિક પ્રિય એક પણ માસ નથી. આ મહિનામાં મનુષ્યનાં નિષ્કામ કૃત કર્મનું મોક્ષરુપી ફળ મળે છે.

ચાતુર્માસ દરમ્યાન યોગીઓ, સંન્યાસીઓ ​​​​​​​આરાધન કરે છે
આ મહિનામાં કરેલું શિવપુજન, ધર્મ, કર્મ, પુજાપાઠ, દાનનું વિશેષ મહત્વ અને અધિક પુણ્ય આપનાર મનાય છે. અષાઢની દેવપોઢી એકદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના યોગનિંદ્રામાં પોઢી જાય છે આથી તેને ચાતુર્માસ કહે છે. આ ચાર મહિના સૃષ્ટિનું સંચાલન મહાદેવજીનાં શીરે હોય છે. ચાતુર્માસ દરમ્યાન યોગીઓ, સંન્યાસીઓ ચાર માસ માટે એક જ જગ્યાએ નિવાસ કરી તપશ્ચર્યા એ આરાધન કરે છે.

સ્કંદપુરાણ આદિ શાસ્ત્રોમાં શ્રાવણમાસને અધિક મહત્વ અપાયું છે. ભગવાન શિવ સનત્કુમારોને શ્રાવણમાસ વિશે વર્ણવતા કહે છેકે કે શ્રાવણમાસનું મહાત્મ્ય સેંકડો વર્ષોમાં પણ વર્ણવી શકાય તેમ નથી. મારી પ્રિયા સતીએ જયારે દક્ષપ્રજાપતિનાં યજ્ઞમાં પોતાના શરીરની આહૂતિ આપી ત્યારબાદ હિમાલયની કન્યા થઇને શ્રાવણમાસનું સેવન કર્યું અને મને પ્રાપ્ત કર્યો એટલે મને આ માસ અતિપ્રિય છે. બીજુ કારણએ કે આ મહિનાની કૃષ્ણાષ્ટમીએ શ્રીહરિ વિષ્ણુ દેવકીનાં ગર્ભમાંથી પ્રાદુર્ભૂત થયા હતા. આથી આ માસની કૃષ્ણ અષ્ટમી પણ મને અધિકપ્રિય છે. આથી શ્રાવણ માસ મને અધિક પ્રિય માનીને મારું અને કેશવનું પુજન કરવું. આર્ત, જિજ્ઞાસુ, અર્થી અને મુમુક્ષુ આ ચારેય પ્રકારનાં લોકોને પોતાની અભિષ્ટ અભિલાષાથી શ્રાવણ માસ સેવન કરવા યોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...