શિવાલય એ યોગમાર્ગનાં સાંકેતિક ચિન્હોનું થોડું વિસ્તારથી વર્ણન જોયેયે. શિવ મંદિરમાં પ્રવેશતાની સાથે જ ઘંટનાદ કરાય છે. તે મનુષ્યનાં અંતરઆત્માને જગાડવાનું અને પરમાત્મા તરફનાં માર્ગ પર પગ મુકવાનુ સુચવે છે. ત્યારબાદ નંદીનાં દર્શન થાય છે. તે બ્રહ્મચર્યનું પ્રતિક આત્માભિમુખતાનું સુચન કરે છે. યોગમાર્ગમાં બ્રહ્મચર્યએ પ્રથમ પગથીયું છે. તેમજ આત્મા સ્થુળ શરીરમાં રહેલો હોવાથી નંદી સ્થુળ શરીરનો પણ પ્રેરક છે. ત્યારબાદ કૂર્મ એટલે કાચબો મનુષ્યને યોગમાર્ગમાં આગળ વધવા શરીરને ઢાલની જેમ સુદ્રઢ બનાવવાનું સુચન કરી શિવ તરફ ગતિ કરે છે. મનુષ્ય જીતેન્દ્રિય બને તો જ જીવની શિવ તરફ ગતિ શરુ થાય છે.
શિવાલયનાં ગર્ભગૃહનાં દ્વારની આગળ ગણપતિ અને હનુમાનજી છે. તેમાં ગણપતિ સિધ્ધિ બુધ્ધિનું પ્રતિક અને મુલાધારનાં દેવતા છે. કુંડલીની જાગૃત થઇ મુલાધારચક્રમાં આવે છે. ગણાપતિનાં આયુધો સંયમ, પવિત્રતા, મધુર સ્વભાવ તેમજ શુધ્ધ બુધ્ધિ પ્રાપ્ત થવાનું સુચવે છે. હનુમાનજી વાયુપુત્ર હોવાથી તે વાયુનાં પણ પ્રતિક છે. કુંડલીનીનું ઉર્ધ્વગમન કે ચાલન વાયુ વિના શક્ય નથી. તે સેવા, સંયમ, બ્રહ્મચર્ય, ભાવનામય છે.
સાધક યોગમાર્ગે આગળ વધતા વધતા સિધ્ધિઓને મેળવતાની સાથે જ અહંકાર ઉત્પન્ન થાય તો ગતિ અટકી જાય છે. આથી જ નિજ મંદિરમાં પ્રવેશવાનું દ્વાર નાનું અને જમીનથી ઉંચુ રાખવામાં આવે છે. જે સાધકને વિનમ્ર થઇ આગળ વધવાનું સુચવે છે. ગર્ભગૃહમાં પાર્વતીજી સાક્ષાત કુંડલીની શક્તિનું પ્રતિક છે. જયારે શિવલિંગ ઉપર ફેણ ચડાવેલો નાગ એ કુંડલીની શક્તિનાં ઉર્ધ્વગમનનાં માર્ગનો સુચક છે. કુંડલીની શક્તિના ઉર્ધ્વગમનનો માર્ગ ઝેરીલો અને કાંટાળો તો છેજ પરંતુ કુંડલીની શક્તિ મુલાધાર સહિત ષટચક્રોનું ભેદન કરી ઉર્ધ્વગમન કરીને શિવને પામે છે. જે ગંગાજી બીરાજમાન છે તે પરમાનંદની અવિરત વહેતી અમૃતધારાનું પ્રતિક છે. જીવ અને શિવનું મિલન થાય તો જ નિર્વિકાર સમાધિ અવસ્થાની પ્રાપ્તિ માયાનાં બંધનોથી પર થઇ શિવરુપ અવસ્થા પ્રાપ્ત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.