ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 2 વિસ્તારમાં જામનગર હાઇવે નજીક આવેલા કૃષ્ણનગર સોસાયટીમાં છેલ્લા દોઢ વર્ષથી પાણીની પાઇપ લાઈનના વાંકે પાણીની ભયંકર સમસ્યા ઉભી થઇ છે. પાઇપલાઇન વચ્ચે તૂટી જવાથી તે બંધ કરી દેવામાં આવી છે. આથી રહીશોને પાણી માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. પાલિકાને અનેક રજુઆતો છતાં તેમજ પ્રમુખ ખુદ આ વોર્ડમાંથી ચુંટાયેલા હોય, આ પાઇપલાઇનને રીપેરીંગ કે નવી નાંખવાની દરકાર ન લેતા સોસાયટીના રહીશોએ ભાજપના જ વોર્ડનં 2ના અન્ય કોર્પોરેટરો સાથે પાલિકાએ પ્રમુખ અને ચીફઓફીસરને ઉગ્ર રજુઆતો કરી હતી.
ધ્રોલના વોર્ડનં. 2ના જામનગર હાઇવે પર જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય સામે કૃષ્ણનગર સોસાયટીમાં પાણીની લાઈન તો અગાઉ નાંખવામાં આવી છે. જે વચ્ચેથી લીકેજ હોવાથી ગટરનું પાણી તેમાં ભળતુ હોવાથી તે પાઇપલાઈન બંધ કરવામાં આવી છે. દોઢેક વર્ષથી નવી પાઇપલાઇન નાખવા માટે સોસાયટીના રહીશોએ અનેક વખત લેખીત અને મૌખીક રજુઆત કરી છે.
તેમ છતાં વોર્ડનં 2માં પાલિકા પ્રમુખ પણ ચુંટાયેલ છે. તે જ વોર્ડમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. સોસાયટીના લોકોએ આખરે કંટાળી વોર્ડ નં.2ના ભાજપના ચુંટાયેલા સભ્યો રણછોડભાઈ પરમાર અને કિશોરભાઈ ચાવડા સાથે પાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજુઆત કરતા નવી પાઇપ લાઇન નાખવા માંગ કરી હતી. આ ઉપરાંત વોર્ડ નં.2માં કોઈ પ્રકારના કામ થતાં ન હોવાના આક્ષેપ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.