ખાતમૂહુર્ત:ધ્રોલમાં 54 લાખના ખર્ચે પેવર બ્લોક રોડ બનાવવાનું શરૂ: 1 રોડનું બેવાર ખાતમૂહુર્ત

ધ્રોલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જશ લેવા માટે કોંગ્રેસ અને ભાજપના આગેવાનોના વલખાં લોકોમાં ચર્ચાસ્પદ બન્યા

ધ્રોલના વોર્ડ નં.7માં આવેલ આશાપુરા રેસીડેન્સી વિસ્તારનાં 54 લાખનાં પેવર બ્લોકનાં કામનું ખાતમુહુર્ત પાલિકા દ્વારા યોજાયું હતું. એક જ માસમાં એક જ રોડનાં કામનું બે વખત ખાતમુહુર્ત થતા વિવાદ છેડાયો છે. ભાજપ શાસિત પાલિકાના પદાધિકારીઓ અને સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય સામસામે આવી જતા આ મુદ્દાએ રાજકીય ચર્ચા જમાવી છે.

ધ્રોલના વોર્ડ નં.7માં આવેલ આશાપુરા રેસીડેન્સી વિસ્તારમાં ધ્રોલ નગરપાલિકા દ્વારા જનભાગીદારીથી 54 લાખનાં ખર્ચે પેવર બ્લોક રોડ બનાવવાનું ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમારનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. 14 ઓક્ટોબરના રોજ ધારાસભ્ય પ્રવિણ મુસડિયાના હસ્તે આ રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આમ, બે વખત ખાતમૂહુર્ત થતાં લોકોમાં રમૂજ પ્રસરી છે.

મહિના પહેલા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું’તું
આજથી એકમાસ પહેલા આશાપુરા રેસીડેન્સીનાં પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત અમે કર્યું હતું. મને જાણવા મળ્યું છેકે ભારતીય જનતા પાર્ટીનાં અને ધ્રોલ નગરપાલિકાનાં પદાધિકારીઓ દ્વારા એજ કામનું ફરીથી ખાતમુહુર્ત કરી અને એમણે એમની હલકી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. કારણ કે એમાં મને એનો સેવાભાવ નહીં પરંતુ એમનો ઇર્ષાભાવ દેખાય છે. આ પ્રકારની રાજનિતિ સમાજને ગેરમાર્ગે દોરનારી છે. > પ્રવિણભાઇ મુસડીયા, ધારાસભ્ય, 76- કાલાવડ.

કોઈપણ કામનું ખાતમૂહુર્ત નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવે છે
નગરપાલિકા વિસ્તારના રોડના કામનાં ખાતમુહુર્ત પાલિકા દ્વારા નક્કિ કરાતા હોય છે. વોર્ડ નં.7ના આ કામમાં ધારાસભ્ય દ્વારા 10 લાખની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. ધારાસભ્યને બોલાવવાનાં જ હતાં પરંતુ એમણે પોતાની રીતે જ ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજી દીધો હતો. જેમાં પાલિકાને કોઇ જાણ કરવામાં આવી ન હતી. અગાવ પણ સતવારા સમાજ પાસેનાં કાર્યક્રમમાં ધારાસભ્યની ગ્રાન્ટ હતી તો તેઓને ખાતમુહુર્તમાં બોલાવ્યા જ હતા. અમે કોઇ ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું નથી. > જયશ્રીબેન પરમાર, પ્રમુખ, ધ્રોલ નગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...