ધ્રોલ તાલુકાનાં વાંકીયા ગામે રસ્તા પરનું દબાણ દુર કરવા ગયેલ મામલતદારની ટીમ સામે જમીન ધારકે નોટીસ આપ્યા કે જાણ વિના તંત્ર દબાણ દુર કરવા આવ્યાના આક્ષેપ સાથે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા મામલો બીચકાયો હતો. ધ્રોલ પી.એસ.આઇ એમ. એન. જાડેજા તેમજ સ્ટાફના કનુભાઇ મહિલા પોલીસ સહિતનાઓ ઘટના સ્થળે દોડી જઇ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દંપતિની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રોલ તાલુકાનાં વાંકીયા ગામે મગનભાઇ ટપુભાઇ ભીમાણી અને માવજીભાઇ ટપુભાઇ ભીમાણીની જમીન માંથી કેતનભાઇ પ્રફુલભાઇ દેત્રોજાને પોતાની વાડીમાં જવા માટે ચાલવાનો રસ્તો હતો. ત્યાર બાદ મગનભાઇ અને માવજીભાઇ એ પોતાની જમીન બીનખેતી કરી વેંચી નાંખતા તેમાંથી નિકળતા રસ્તાનો વિવાદ શરુ થયો હતો.
ત્યાર બાદ કેતનભાઇએ ધ્રોલ મામલતદાર અને પ્રાંત અધીકારી પાસે મામકોટ હેઠળ દાદ માંગી હતી. બીનખેતી બાદ માલિકે પ્લોટનું વેંચાણ જતેનભાઇ પ્રભુભાઇ દેત્રોજાને કરી નાંખ્યું હતું. જયારે રસ્તાનાં વિવાદમાં મગનભાઇ સહિતનાઓ મામલતદાર અને પ્રાંત કચેરીમાં કેશ હારી ગયા હતા.
દબાણ દૂર કરવાનું મુલતવી
રસ્તા પર દિવાલ અને એક નાની ઓરડી બનાવી નાંખી હતી. જમીન બીનખેતી કરનાર મગનભાઇ ટપુભાઇ ભીમાણી અને માવજીભાઇ ટપુભાઇ ભીમાણી સામે કેશ મામલતદાર અને પ્રાંતમાં ચાલી ગયો હતો. તેમાં પક્ષકાર હારી ગયા હતા. દબાણ દુર કરવા નોટીસ પણ આપેલ હતી. સર્કલ ઇન્સપેકટર દબાણ દુર કરવા ગયા હતા. જીતેનભાઇએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા હાલ પુરતુ દબાણ દુર કરવાનું મુલત્વી રખાયું છે. - બી. એન. કણજારીયા, મામલતદાર, ધ્રોલ.
જાણ કર્યા વગર તંત્ર આવ્યું હતું
મારા ભાઇનાં નામે મિલ્કત છે. અમોને કોઇપણ પ્રકારની નોટીસ કે જાણ કર્યા વગર દબાણ દુર કરવા આવ્યા હતા. દોઢ વર્ષ પહેલા અમોએ જમીન ખરીદી છે. અમે એક કીધુ કે અમોને કોઇપણ પ્રકારની જાણ નથી તો અમે રસ્તો ખુલ્લો કરવા નહીં દઇએ પરંતુ તંત્રનાં અધિકારીઓએ અમારું કાંઇ સાંભળ્યું નહીં. - જીતેનભાઇ અઘેરા,જમીન માલિકના ભાઇ, વાંકીયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.