ધ્રોલના ખારવા રોડ પર પેટ્રોલ પંપમાં પેટ્રોલમાં પાણીની કથિત ભેળસેળના આક્ષેપ સાથે હોબાળો મચ્જયો હતો. જેના પગલે લોકોનાં ટોળા એકઠા થયા હતા. આગેવાનોએ દોડી જઇ મામલતદારને ફરીયાદ કરતાં તંત્રએ તપાસ હાથ ધરી છે. જો કે, તપાસમાં કશું વાંધાજનક ન મળ્યાનું જણાવાયું છે. ધ્રોલ તાલુકાના રાજપર ગામે રહેતા નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના બુલેટમાં ખારવા રોડ પરના પેટ્રોલ પંપેથી પેટ્રોલ પુરાવી ધ્રોલ આવતા હતા ત્યારે રામરોટી બાપુના આશ્રમ પાસે તેનું બુલેટ બંધ પડી ગયું હતું.
જહેમત બાદ પણ ચાલુ ન થતાં અંતે કારીગરને બોલાવ્યો હતો. જેણે બુલેટનાં પેટ્રોલમાં મોટાભાગનું પાણી હોવાનું તારણ રજૂ કર્યું હતું. આથી નરેન્દ્રસિંહ પેટ્રોલ પંપે જઇ રજુઆત કરી હતી. આથી તેમણે રાજપરના સરપંચ અને ધ્રોલ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાને કહેતા વિરેન્દ્રસિંહ તથા મોટા વાગુદડનાં ઉપસરપંચ અનિરુધ્ધસિંહ જાડેજા સહિતનાં આગેવાનો પેટ્રોલ પંપે દોડી ગયા હતા. પેટ્રોલ પંપે લોકોનાં ટોળા એકઠા થયા હતા.
એ દરમ્યાન જાલીયા દેવાણીના રહીશ ભગીરથસિંહ જાડેજાએ પણ ફરીયાદ કરી હતી કે તા.28ના સાંજે આ પંપે પેટ્રોલ પુરાવી જાલીયા માનસર પહોંચતા તેઓનું પણ બાઈક ગામમાં પહોંચતાની સાથે જ બંધ થઇ ગયું હતું. જે ચેક કરાવતા તેમાંથી પણ પેટ્રોલમાંથી પાણી નિકળ્યાનું તેણે કહ્યું હતું. આગેવાનોએ મામલતદાર સહિતનાં તંત્રને જાણ કરી હતી. આથી તંત્ર દોડતું થયું હતું પેટ્રોલનાં સેમ્પલ સહિતની કામગીરી સાથે તપાસ હાથ ધરી છે.
તપાસમાં કંઈ વાંધાજનક ન મળ્યું: મામલતદાર
મેં પોતે પણ પેટ્રોલ પંપ પર ડેન્સીટી, પેટ્રોલના ટાંકા સહિત રુબરુ તપાસ કરતાં વાંધા જનક કાંઈ મળ્યું નથી. - એ. એસ. ઝાપડા, મામલતદાર, ધ્રોલ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.