રજૂઆત:ખંભાળિયા-દ્વારકા હાઈ-વેના મંથર ગતિથી ચાલતા કામથી પ્રબળ રોષ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરોમાં પાણી ભરાવા સહિતની સમસ્યા મામલે રજૂઆત

ખંભાળીયાથી દ્વારકાને જોડતા ફોરલેન હાઇવેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. જેમાં ખંભાળીયા પાસે ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડની કામગીરી અને વરસાદી પાણીનોયોગ્ય નિકાલ ન થતા સર્જાતી સમસ્યા મામલે તંત્ર સમક્ષ રજુઆત કરાઇ છે. જો યોગ્ય નિકાલ ન કરાઇ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી કિશાન કોંગ્રેસે ઉચ્ચારી છે. દેવભૂમિ જિલ્લાના ખંભાળીયાથી દ્વારકાને જોડતા ફોર લેન રોડનું કામ છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે, જે કામને લઈ લોકોમાં વ્યાપક સમસ્યાઓની ફરિયાદો ઉઠવા પામી છે.

મંથર ગતિએ ચાલતા આ કામને લઈ સ્થાનિક લોકો,વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખંભાળીયાના ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડની કામગીરીથી વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ જતા હોય જેને કારણે મુશ્કેલીઓ સર્જાય છે. જયારે હાઇવેના કામમાં પણ વરસાદી પાણીના યોગ્ય નિકાલ ન થવાને કારણે ખેતરોમાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે.

આથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ સાથે કિસાન કોંગ્રેસ સમિતિના વડપણ હેઠળ દેવુભાઈ ગઢવી, એભાભાઈ કરમુર, ગિરધરભાઈ વાઘેલા સહિતના અગ્રણીઓ અને ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવી રજુઆત કરી હતી.આ મુદ્દે યોગ્ય નિકાલ નહિ કરવામાં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...