આક્રોશ:દેવભૂમિમાં વ્યાપક વીજ વિક્ષેપથી ખેડૂતોમાં રોષ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવારનવાર કૃષિ ફિડરમાં સર્જાતા વીજ વિક્ષેપના કારણે પાકને પિયતમાં મુશ્કેલી
  • અપુરતો વિજ પુરવઠો મળતા સિંચાઈ માટે ખેડૂતોને પારાવાર હાલાકી, ખરીફ પાક પણ જોખમમાં

મુખ્ય મથક ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેતીવાડીના વિજ ફિડરોમાં વારંવાર વીજ વિક્ષેપને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.અપૂરતો વીજ પુરવઠો મળતા સિંચાઈ માટેમુસીબત સર્જાયાનો અને ખરીફ પાકમાં પણ જોખમ સર્જાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનો આક્રોશ ખેડુતો વ્યકત કરી રહયા છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેતી માટે ખેડૂતોને પૂરતી વીજળી મળી રહે માટે આઠથી દશ કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો હોવાની જાહેરાતો અનેક વખત કરવામાં આવતી રહે છે.

પરંતુ તેનું ફારસરૂપ સત્ય ખંભાળીયા પીજીવીસીએલ સબ ડિવિઝન હેઠળ આવતા વડત્રા પેટા સબ ડિવિઝન ફીડરમાં જોવા મળી રહ્યું છે. વડત્રા ફીડરમાંથી બેહ, ઝાકસીયા સહિતના ગામોને જ્યોતીગ્રામ તથા એગ્રીકલ્ચર હેઠળ વીજ પુરવઠો મળી રહે છે. જેમાં ક્રોસ પાવર થતો હોવાથી એક પણ ગામમાં જો ક્ષતિ સર્જાય તો બેહ ઝાકસીયા સહિત હેઠળના ગામડાઓના ફીડર બંધ કરી કામગીરી કરવાની ફરજ પડે છે. જેના કારણે અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ લાઈટ બંધ કરવામાં આવતા લોકોને મુશ્કેલી સહન કરવી પડે છે.

વડત્રા પેટા સબ ડિવિઝન હેઠળના ગામોમાં અનેક જગ્યાએ વર્ષો જુના વીજ વાયરો,વીજ પાવર સપ્લાયમાં વધુ પડતા લોડને કારણે અનેકવારતાર તૂટવાના બનાવો બનતા રહે છે. તેમજ ઝંપર તૂટી જવાના પ્રશ્નો પણ વારંવાર બનતા રહે છે. જેના કારણે અવારનવાર વીજ પાવર કલાકો સુધી બંધ રહેતું હોવાની પરિસ્થિતિ સર્જાતી હોવાની રજુઆત કરતા ખેડૂત આગેવાન વેરશીભાઇ ગઢવી દ્વારા જણાવાયુ છે.

હાલ ખેતરોમાં ખરીફ પાક પણ ઉભો હોય ત્યારે હાલ મોલાતને પિયતની તાતી જરૂરિયાત હોય સારા વરસાદને કારણે કુવા, બોર, નદીનાળા અને ચેકડેમો પાણીથી ભરેલા હોય પણ ઇલેક્ટ્રિક મોટર વડે પાણી ખેંચીને મોલાતની પિયત કરવાની થતી હોય છે. ત્યારે વીજપાવર પૂરતો ન મળતો હોવાથી મોલાત સુકાવાનો પણ ખેડૂતોમાં આશંકા ઉઠવા પામી છે.ત્યારે વહેલી તકે આ બાબતે યોગ્ય કરી નિયમિત પૂરતો વીજ પુરવઠો મળી રહે તેવી વિસ્તારના ખેડૂતોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...