વેક્સિન ડ્રાઈવ:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ દિવસે જ 36 ટકાથી પણ વધુ રસીકરણ કરાયું

ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા પંથકમાં દરરોજ 7 હજારને રસીનો લક્ષ્યાંક, 14,000 બાળકોને રસીકરણ કરાયું
  • ખંભાળિયામાં કલેકટર, ડીડીઓના હસ્તે પ્રારંભ, શાળા-કોલેજો ખાતે બાળકોનું રસીકરણ,140 ટીમ કાર્યરત કરાઈ

દેવભુમિ દ્વારકા સહિત રાજયભરમાં સોમવારથી 15થી 18 વર્ષ સુધીના કિશોરોને કોરોના રસી માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કલેકટર અને ડીડીઓના હસ્તે રસીકરણનો પ્રારંભ થયો હતો.દરરોજ સાત હજારના લક્ષ્યાંક સામે પ્રથમ દિવસે 14,000ને રસી અપાઇ ચુકયાનુ આરોગ્ય તંત્રે જણાવ્યુ હતુ.જુદી જુદી 140 ટીમો રસીકરણને આગળ ધપાવી રહી છે.

દ્વારકા જિલ્લામાં 15થી18 વર્ષના બાળકોને કોરોના રસી આપવાની ઝુંબેશ સોમવારે શરૂ થઇ છે. જેમાં જિલ્લામાં કુલ 38 હજાર જેટલા કિશોરને રસી આપવાનો લક્ષ્યાંક હાથ ધરાયો છે.જિલ્લામાં 140થી વધુ ટીમો દ્વારા પ્રથમ દિવસે શાળાઓ, સ્કૂલો અને કોલેજોમાં રસીકરણ શરૂ થયુ છે.

જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા દરરોજ 7 હજાર કિશોરને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.પ્રથમ દિવસે સાંજ સુધીમાં 14,000 તરૂણોએ કોરોનાની રસી લઈ લીધાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયુ છે. આ ખાસ રસીકરણ ઝુંબેશનો પ્રારંભ જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા દ્વારા રાજકુમાર સ્કૂલ-ખંભાળીયાકમં કરાવ્યો હતો.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર, આરોગ્ય અધિકારી ડો.રાજ સુતારીયા ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રસીકરણની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને જરૂરી માર્ગદર્શન આપી બાળકોને ભયમુક્ત વેકસીન લેવા અપીલ કરવામાં આવી હતી.

શાળાએ ન જતા કિશોરો માટે અલાયદી વ્યવસ્થા
શાળાએ ન જતા કિશોરોને આરોગ્ય કેન્દ્રો-આંગણવાડીમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ખાસ રસીકરણ ઝુંબેશમાં આરોગ્ય તંત્રની ટીમો સાથે શિક્ષણ સ્ટાફ પણ જોડાયો છે. ગ્રામ વિસ્તારમાં રહેતા અને ભણતર છોડી ચૂકેલા 15થી 18 વર્ષના કિશોરો માટે પણ કોવિડ રસીકરણ માટે આંગણવાડી, પી.એચ.સી. અને સી.એચ.સી. કેન્દ્રો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...