હાલાકી:ખંભાળિયા-દ્વારકા હાઈ-વે પર ડાયવર્ઝન અને ખાડા-ખડબાથી વાહનચાલકો ત્રાહિમામ થયા

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મસમોટા ખાડાઓના કારણે  પસાર થવામાં વાહનચાલકોની અગ્નિ પરીક્ષા ! - Divya Bhaskar
મસમોટા ખાડાઓના કારણે પસાર થવામાં વાહનચાલકોની અગ્નિ પરીક્ષા !
  • કુરંગા સુધીના માર્ગ પર ખાડાનુ સામ્રાજ્ય,ખાડામાં વરસાદી પાણીનો પણ ભરાવો
  • ગોકળગતિથી ચાલતા ફોરલેન રોડના કામથી આવાગમનમાં ભારે મુશ્કેલી, લોકોમાં ભારે રોષ

ખંભાળીયા દ્વારકા હાઇવે પર ઠેર ઠેર ખાડા ખડબા અને ડાયવર્ઝનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે ફોરલેન કામમાં લકવાગ્રસ્ત સ્થિતિમાં હોય એવું જોવા મળી રહ્યું છે.ખંભાળીયાના દેવળીયાથી દ્વારકાના કુરંગા ગામ સુધી જોડતા નેશનલ હાઈવેનું કામ હાલ કરોડોના ખર્ચે કાર્યરત છે. છેલ્લા ઘણા લાંબા સમયથી આ ગોકળગતિની જેમ ધીમી ગતિએ ચાલતા આ કામના ડાયવર્ઝનમાં ઠેર ઠેર ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે,ખંભાળીયાથી કુરંગા સુધી હાઇવે પર ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ હોવાને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ ગોકળગતિએ ચાલતા ફોરલેનના કામ અને રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા ખડબાને કારણે થતી મુશ્કેલીઓ અંગે જુદા જુદા આગેવાનો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ હજુ સુધી નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનુ જોવા મળી રહ્યું છે. ત્યારે હાઇવે રોડ પર પડેલા ઠેર ઠેર ખાડાઓ અને ગોકળગતિએ ચાલતા ફોરલેનના કામને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ડાયવર્ઝનમાં ભરાતા સર્જાય છે ટ્રાફિકજામ
હાલ વરસાદને કારણે કેટલાક ડાયવર્ઝનમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. અને ટ્રાફિક જામ થઈ જાય છે. ત્યારે આ લકવાગ્રસ્ત સ્થિતિમાં ચાલી રહેલા ફોરલેન કામને કારણે ઘણીવાર હોસ્પિટલની ઈમરજન્સીમાં વાહનોમાં આવતા લોકોને હોસ્પિટલ પહોંચતા કલાકો લાગી જતી હોવાને કારણે ઘણીવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...