રાજ્યભરમાં કોરોનાના વધતા કેસને પગલે વિવિધ મંદિરોને એક દિવસથી લઈને એક અઠવાડિયા સુધી બંધ કરવામાં આવ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ વધતાં જગત મંદિર અને બેટ દ્વારકા 17થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. મંદિરમાં પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ ભગવાન શ્રીજીની પૂજા અને આરતી કરશે. આ ઉપરાંત બહુચરાજી પણ એક અઠવાડિયું બંધ રહેશે. જોકે ડાકોર અને શામળાજી સોમવારે એક દિવસ માટે બંધ રહેશે.
ચોટીલા મંદિરમાં આરતીમાં લોકોને પ્રવેશ નહિં મળે, પણ દર્શન ચાલુ જ રહેશે, આ દરમિયાન બધા મંદિરોમાં ઓનલાઈન આરતીથી દર્શન થઈ શકશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. રાજ્યમાં દિનપ્રતિદિન કોરોના કેસ વધતાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં અને ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં 150 વ્યક્તિ એકત્રિત થઈ શકશે એવાં નિયંત્રણો તા.22 જાન્યુઆરી સુધી મૂકવામાં આવ્યાં છે.
સોમવારે પૂર્ણિમા હોઈ, આ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ યાત્રાધામમાં દર્શનાર્થે આવે છે, આથી આ બાબત ધ્યાનમાં રાખી કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે સાવચેતીના પગલારૂપે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અને કલેક્ટર દ્વારા તા.17 થી 23 જાન્યુઆરી સુધી જગત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા નિત્યક્રમ મુજબ પૂજા આરતી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કેસનો રાફડો ફાટતાં જગત મંદિર ભાવિકો માટે દર્શન અર્થે બંધ કરવામાં આવ્યું હતું.
ભકતો વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન દર્શન કરી શકશે
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કેસ એકદમ વધી જતાં જગત મંદિરમાં ભાવિકોને દર્શન માટે પ્રતિબંધ મુકાયો હતો. જોકે ભકતોએ વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન દર્શન કર્યાં હતાં. આ જ રીતે આગામી તા.17થી 23 જાન્યુઆરી સુધી ભક્તો દ્વારકાધીશની ઓફિશિયલ વેબસાઈટ મારફત ભગવાન દ્વારકાધીશનાં ઓનલાઈન દર્શન કરી શકશે.
મંદિર કઈ તારીખથી કઈ તારીખ સુધી બંધ રહેશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.