કાર્યવાહી:મીઠાપુરના ચેઈન સ્નેેચિંગ પ્રકરણમાં 3 ઝબ્બે

ખંભાળિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મીઠાપુર પંથકમાં લગભગ છ માસ પુર્વે મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ થયાનો બનાવ બહાર આવ્યો હતો.જે પ્રકરણમાં સ્થાનિક ગુના શોધક શાખાએ ત્રણ શખ્સોને પકડી પાડી રૂ.95 હજારની કિંમતનો સોનાનો ચેઇન કબજે કરી સધન પુછપરછ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકમાં ગત તા.26મી એપ્રિલના રોજ એક મહિલા ઘર બહાર રાત્રે સુતા હતા જે દરમિયાન મોડી રાત્રે ત્રાટકેલા ત્રણ અજાણ્યા શખ્સો તેણીએ ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ઝુંટવી રફુચકકર થયાનો બનાવ બહાર આવ્યો હતો. જે મામલે મહિલા દ્વારા ફરીયાદ નોંધાવાઇ હતી.જે મામલે પોલીસ તપાસ દરમિયાન સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઇ જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. ગળચરના નેતૃત્વમાં સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે દરમિયાન ટેકનીકલ એનાલીસીસ ઉપરાંત બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તપાસ હાથ ધરતા સામરાભા જસરાજભા માણેક, ભરતભા જખરાભા માણેક, લાખાભા મુરૂભા માણેક નામના ત્રણ શખ્સો મળી આવ્યા હતા.જેના કબજામાંથી પોલીસને રૂ.95 હજારની કિંમતનો સોનાનો ચેઇન મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સોની પુછપરછ કરતા ઉકત સ્નેચીંગનો ભેદ ખુલ્યો હતો.પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી તેનો કબજો મીઠાપુર પોલીસને સુપરત કરતા પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરાઇ છે.