આંતરરાષ્ટ્રીય સ્કુબા-ડાઇવર ટીમનું અનોખું આયોજન:20 સાહસિક તરવૈયા 20મીએ દ્વારકાથી દરિયો ખેડી સોમનાથ જશે

ખંભાળિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!, નવતર વિચાર અમલમાં મૂકવા આખી ટીમ કામે લાગી
  • દ્વારકાની હાઇસ્કૂલના 10 અને રાજકોટના 10 મળીને કુલ 20 યુવકો તૈયાર થયા

દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના છેવાડે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી તા.20મી ફેબ્રુઆરીના રોજ નવતર આયોજન આકાર લેશે.જેમાં સંભવત પ્રથમ વખત જ દ્વારકાથી દરિયો તરીને 20 તરુણો અને યુવાનો સોમનાથ પહોંચશે.જે હાલારીઓના નવતર સાહસને સાકાર કરશે. આંતરરાષ્ટ્રીય સ્કુબા-ડાઇવર અને તેની ટીમ નવતર વિચારને અમલમાં મૂકવા કાર્યરત બની છે.

ઘટડામાં ઘોડો થનગને યૌવન વીંઝે પાંખ જેવી યુવાવર્ગને સાહસ માટે પ્રેરણા આપતી પંક્તિનું કાર્ય દ્વારકામાં સાહસિક તરૂણો તથા યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.ઇન્ટરનેશનલ સ્ફુબા ડાિવર જેન્તીલાલ બાંભણીયા તથા તેના ગ્રુપના બંકીમ જોશી, પીનાકીન રાજ્યગુરુ, ઉમેશભાઈ રાજ્યગુરુને થોડા માસ પહેલા વિચાર આવેલો કે, તરૂણો અને યુવાનોની એક ટીમને દ્વારકાથી દરિયામાં તરતા તરતા સોમનાથ લઈ જવા જોઇએ. ભારતમાં સંભવત પ્રથમ વખત 13થી 20 વર્ષની ઉંમરના તરૂણો અને યુવાનો સાથે તા. 20-2-22ના રોજ આ ટીમમાં દ્વારકા એન. ડી. એચ. હાઇસ્કૂલના 10 તથા રાજકોટના 10 એમ કુલ 20 યુવાનો તરુણો સોમનાથ જવા દરિયામાં પ્રયાણ કરશે.

આયોજક જેન્તીભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે દ્વારકાથી સોમનાથ તરવૈયાઓ દરરોજ નિયત અંતર કાપ્યા બાદ સવારે ફરી પ્રસ્થાન કરશે.જેઓ તા.5મી માર્ચના રોજ સોમનાથ પહોચશે. આ રોમાંચક સાહસપુર્ણ અભિયાનમાં સૌને સહયોગ આપવા માટે આયોજકો દ્વારા અપીલ પણ કરાઇ છે.

10 રેસ્કયૂ બોટ સહિતની સુવિધા
આ સાહસિક તરણ કાર્યક્રમને અનુલક્ષીને આયોજક ટીમ દ્વારા દશ રેસ્કયૂ બોટ, બે બોટ તથા અન્ય જરૂરી સાધનોની સુવિધા પણ આ આયોજન દરમિયાન ઉપલબ્ધ કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દરરોજ તરવૈયા નિયત અંતર કાપશે
દ્વારકાથી દરીયામાં રવાના થયા બાદ આ તરવૈયાઓ દરરોજ નિયત કરાયેલું અંતર કાપશે અને ત્યારબાદ રાત્રી વિરામ કરશે જેઓ ફરી સવારે આગળ વધશે અને પાંચમી માર્ચે સોમનાથ પહોંચશે એમ પણ જણાવાયુ છે.

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આવું આયોજન
દ્વારકાથી સોમનાથ સુધીના દરિયાને તરવાના સાહસિક કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવાર કરવામાં આવ્યું છે, આ આયેાજનને લઇને તરવૈયાઓમાં ભારે થનગનાટ અને ઉત્તેજનાનો માહોલ પ્રવર્તી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...