પ્રિ-મોન્સૂન કામગીરી:ખંભાળિયામાં નદી, ગટરો, કેનાલની સફાઈ શરૂ

ખંભાળિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા કવાયત, 25 સફાઈ કર્મચારીઓ સાથે જેસીબી
  • ટ્રેકટર સહિતના વાહનો કામે લાગ્યા
  • જર્જરીત ઇમારતોને નોટિસ અપાશે

હવામાન વિભાગ દ્વારા આગામી નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન ઉપરાંત સંભવિત વાવાઝોડાની આગાહી વચ્ચે ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી  હાથ ધરવામાં આવી છે.  જે અંતર્ગત વિવિધ પ્રકારના સાધનો,  સફાઈ કામદારોની મદદથી નદીના વહેણ, ગટરો, કેનાલની  વરસાદી પાણીના નિકાલને અવરોધરૂપ કચરો દૂર કરવા કામગીરી ચાલી રહી છે. બાંધકામ વિભાગ  દ્વારા જર્જરીત ઇમારતોને નોટીસ ફટકારવાની તજવીજ  પણ હાથ ધરાઇ છે. 

20 થી 25 જેટલા સફાઈ કર્મીઓ તથા સ્ટાફની મદદથી મેન્યુઅલી કામગીરી હાથ ધરી
દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં જુદા- જુદા સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ કરી  પ્રી-મોન્સુન કામગીરી કરવાની સુચના બાદ ખંભાળિયામાં નગરપાલિકા દ્વારા શહેરમાં  સાફ-સફાઈ શરૂ થઈ છે.   આ માટે નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા જે. સી. બી., ટ્રેક્ટર જેવા વાહનો ઉપરાંત 20 થી 25 જેટલા સફાઈ કર્મીઓ તથા સ્ટાફની મદદથી  મેન્યુઅલી કામગીરી  હાથ ધરી વરસાદી પાણીને અડચણરૂપ ઝાડી ઝાંખરા, વિગેરે દુર કરવામાં આવી રહ્યા છે.  આટલું જ નહીં આગામી દિવસોમાં જરૂર પડ્યે બાંધકામ વિભાગ દ્વારા શહેરમાં જર્જરિત ઈમારતોને દૂર કરવા અંગેની નોટિસો પણ જે તે આસામીઓને આપવામાં આવશે. 

ચોમાસામાં નગરજનોને તકલીફ ન પડે તે માટે પાલિકા તંત્ર દ્વારા અત્યારથી આયોજન
મુખ્યત્વે વરસાદી પાણીના વહેણના વિસ્તારો મહાપ્રભુજીની બેઠક પાસેની નદીના વહેણ, શહેરમાં બેઠક રોડ પાસેથી પસાર થતી ખાઉધરી ગલી પાસેના વરસાદી પાણીના માર્ગ, ઉપરાંત અત્રેના સ્મશાન નજીકથી ઘી નદીની પાજ વિસ્તારના મુખ્યત્વે વરસાદી પાણી નિકાલના માર્ગોને સાફ કરવામાં આવી રહ્યા છે. તદ ઉપરાંત  રાવલીયા પાડો, એસ.એન.ડી.ટી. સ્કૂલ પાછળનો વિસ્તાર, સહિતના જુદા-જુદા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાવાની શક્યતા છે, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ગટરો, નદી- નાળા વિગેરેની સાફ સફાઈ હાથ ધરાશે. આગામી ચોમાસામાં નગરજનોને તકલીફ ન પડે તે માટે પાલિકા તંત્ર દ્વારા અત્યારથી આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...