સમસ્યા:દ્વારકા, ભાણવડ તાલુકાના તબીબોની બદલી થતાં રોષ

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં તબીબોની ભારે અછત છતાં દ્વારકાના ડો. ચાંડેગ્રાને ભાણવડ અને ભાણવડના ડો. રાઠોડને જામનગર મુકાયા

કોરોના મહામારીમાં દ્વારકા અને ભાણવડ તાલુકાના તબીબોની બદલી થતાં લોકોમાં અને તબીબી આલમમાં રોષની લાગણી ફેલાઇ છે. તબીબોની અછત વચ્ચે એકાએક બદલીથી ભારે આશ્ચર્ય સર્જાયું છે. બીજી બાજુ તબીબો આ મુદે આંદોલન અને લડી લેવાના મૂડમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કોરોનાની કપરી સ્થિતિમાં દ્વારકા તાલુકા હેલ્થ ઓફિસરનો ચાર્જ સાંભળતા ડો.ચાંડેગ્રા ની એકાએક ભાણવડ તાલુકાના ગુંદા આરોગ્ય કેન્દ્ર ખાતે અને ભાણવડ ના તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.રાઠોડની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે.

દ્વારકા જિલ્લામાં આમ પણ ડોકટરની અછત છે એવા સમયમાં ડો રાઠોડની જામનગર બદલી કરવામાં આવી છે અને દ્વારકા તાલુકામાં કોઈ કાયમી એમ.બી.બી.એસ ડોકટર નથી એટલે કલ્યાણપૂરના રાણ આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટરને અહીં ચાર્જ આપી કોરોના સંક્રમણ અટકાવવા મુકયા હતાં. આ સ્થિતિમાં તબીબોની બદલી નો આદેશ થતા તમામ ડોકટર તેમજ સ્ટાફમાં અત્યંત રોષ જોવા મળી રહયો છે. કોરોના મહામારીના સમયમાં તબીબના બદલીના આદેશ થતા દ્વારકા જિલ્લાના તમામ ડોકટરોનો ઉત્સાહ પડી ભાંગ્યો છે. બીજી બાજુ દ્વારકા તાલુકામાં હવે કોઈ પણ ચાર્જ સાંભળનાર નહીં રહે જેથી દ્વારકામાં કોરોનાનો કહેર વધે તેવી સંભાવના છે. બીજી તરફ તબીબોની બદલી તાત્કાલિક અસરથી રદ્દ કરવા ડોક્ટરો મેદાને પડશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...