કાર્યવાહી:દેવભૂમિ દ્વારકા પંથકમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવાર નવાર ધાકધમકી આપી કુકર્મ આચર્યાની શખસ સામે ફરિયાદ

યાત્રાધામ દ્વારકા પંથકમાં રહેતા એક પરીવારની સગીર વયની બાળા સાથે અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દિઘી હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધીને આરોપીને સકંજામાં લેવા કવાયત હાથ ધરી છે. ભોગગ્રસ્ત સર્ગભા બની જતા સમગ્ર બનાવનો ભાંડો ફુટયો હતો.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા પંથકમાં રહેતા એક પરીવારની સગીર વયની પુત્રીની એકલતાનો લાભ લઇ બળજબરીપુર્વક અવાર નવાર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ સ્થાનિક પોલીસ મથકમાં સીદીયાભા રાણાભા સુમણીયા સામે નોંધાઇ છે. ફરીયાદમાં જાહેર થયા અનુસાર ભોગગ્રસ્તને લગભગ ત્રણેક માસ પુર્વે તેણીની એકલતાનો લાભ લઇ ડરાવી ધમકાવીને આરોપીએ શારીરીક સંબંધ બાંધ્યો હતો. જે બાદ અવાર નવાર તેણીને ધાક ધમકીઓ આપી કુકર્મ આચર્યુ હતુ જેને પગલે સગીરા ગર્ભવતી બની ગઇ હતી.

આથી ગુમસુમ રહેતી ભોગગ્રસ્તે આખરે પરીવારને જાણ કરતા પરીજનો પણ સ્તબ્ધ બની ગયા હતા. આ બનાવ મામલે પરીવારના મોભીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર બનાવ મામલે વાકેફ કર્યા હતા. આ બનાવની ભોગગ્રસ્તના પરીજનની ફરીયાદ પરથી પોલીસે આરોપી સીદીયાભા સુમણીયા( (રે. મેવાસા વાડી વિસ્તાર) સામે દુષ્કર્મ, ધમકી અને પોકસો એકટ સહિતની વિવિધકલમ હેઠળ ગુનો નોંધ્યો છે.આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ સક્રિય થઇ હતી અને તાત્કાલિક આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...