વિરાટ વિજય દિનની ઉજવણી:દ્વારકામાં 1965માં આજના દિવસે પાકિસ્તાને 350 બોમ્બ ફેંક્યા હતા, એકેય ફૂટ્યો ન હતો

દ્વારકાએક મહિનો પહેલા
  • દ્વારકાના જગતમંદિરમાં ભગવાન વામનનો પ્રાગટ્ય ઉત્સવ અત્યંત ધામધૂમપૂર્વક ઉત્સાહ સાથે ઊજવાયો

કાળિયા ઠાકોરની કર્મભૂમિ દ્વારકામાં આજથી 57 વર્ષ પૂર્વે વામનજયંતી પર્વ ટાંકણે જ જગતમંદિરને નિશાન બનાવી રાત્રે પાકિસ્તાન દ્વારા દ્વારકા પર લગભગ 350 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, પરંતુ દ્વારકાધીશજીએ મંદિર સહિત દ્વારકાનગરીનું રક્ષણ કર્યું હતું અને એકપણ બોમ્બ ફૂટયો નહોતો, આથી દ્વારકાવાસીઓ આભારની લાગણી વ્યકત કરતા શુભદિનને વિરાટ વિજય દિવસ તરીકે દર વર્ષે ઊજવે છે, જેમાં વામન પ્રાગટય ઉત્સવ ઊજવાયો હતો.

પાકિસ્તાન દ્વારા આજના દિવસે સપ્ટેમ્બર 1965માં રાત્રે 11-55 વાગ્યે દ્વારકાનગરી પર સમુદ્ર સીમા પરથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર વીસ મિનિટમાં જ લગભગ 350 બોમ્બ ફાયર કરાયા હતા. એમાં પીએનએસ ટીપુ સુલતાન, પીએનએસ આલમગીર, પીએનએસ બદર નામના પાંચ પાક. બિગ્રેટના આ હુમલામાં ભગવાન દ્વારકાધીશજીનું આરક્ષણ હોવાથી એકપણ બોમ્બ ફૂટયો નહોતો, દ્વારકાનો બચાવ થયો હતો.

આથી દ્વારકાવાસીઓ ભગવાન દ્વારકાધીશજી પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે, ભગવાન વામનનો પ્રાગટ્ય ઉત્સવ મંદિરમાં બપોરે 12 વાગ્યે ઊજવવામાં આવે છે, જેની ચાલુ વર્ષે પણ ઉજવણી કરાઇ હતી. વામન દ્વાદશીના દિવસે ગૂગળી બ્રાહ્મણો દ્વારા દ્રારકાધીશજી મંદિર પર વિજય સ્વરૂપે ધ્વજ ચડાવવામાં આવે છે. પાકિસ્તાન નેવી દ્વારા આજના દિવસે સપ્ટેમ્બર 1965માં મધરાતના સુમારે કરાયેલો અંતિભીષણ હુમલો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો, આથી દ્વારકાવાસીઓ દ્વારા આજના દિવસે વામનજયંતી પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજાધીરાજ દ્વારકાધીશજી પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ દર્શાવાય છે.

બોમ્બમારાના અવશેષોને મ્યુઝિયમમાં રખાયા
પાકિસ્તાની નેવી દ્વારા વર્ષ 1965ના સપ્ટેમ્બર માસમાં આજના દિવસે રાતે 11.55 વાગ્યાના સુમારે કરાયેલા અતિભીષણ બોમ્બમારાના અવશેષોને હાલ દ્વારકાના સંસ્કૃત એકેડમીના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે, જેને સહેલાણીઓ મુલાકાત દરમિયાન નિહાળે છે.