ભીતિ:યાત્રાધામ દ્વારકાના રેલવે સ્ટેશન પર બોગી ઈન્ડિકેટર બંધ, પ્રવાસીઓને ભારે હાલાકી

દ્વારકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર સિટીઝન પણ સ્પીડમાં દોડતા હોવાથી અકસ્માતનો સતત ઝળુંબતો ભય
  • ટ્રેનની બોગી સુધી પહોંચવા માટે મુસાફરોની દોડાદોડી, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી

યાત્રાધામ દ્વારકા જગતમંદિર ઉપરાંત શિવરાજપુર બીચના વૈશ્વિક ફલક પર ચમકયુ છે. દરરોજ હજારો ભકતો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. જેના પગલે અધતન સુવિધાસભર રેલ્વે સ્ટેશન પણ કાર્યરત છે ત્યારે દ્વારકાના અધતન રેલ્વે સ્ટેશનમાં છેલ્લા ધણા સમયથી બોગી ઇન્ડીકેટર ફેઇલ થયા છે. જેથી અત્રે મોટી સંખ્યામાં આવતા મુસાફરોને ક્યા ઉભવું એ સમજાતું નથી.

જેથી ટ્રેન આવતા અફડાતફડીનો માહોલ સર્જાય જાય છે. લાંબા અંતરની ટ્રેન દ્વારકાના સ્ટેશન પર ફક્ત પાંચ મીનીટ ઉભી રહે છે. આ સમયમાં તમામ મુસાફરોને પોતાના સામાન, બાળકો તથા વૃધ્ધ લોકો સાથે બોગી સુધી પહોચવા માટે ખુબ મુશ્કેલીનો સામનો કરે છે. વૃધ્ધ મુસાફરો પણ પોતાની સીટ મેળવવા બોગી સુધી પહોંચવા દોડ લગાવતા જોવા મળે છે. જેના કારણે સતત અકસ્માતનો ભય રહે છે. તેની સાથે કઇ ટ્રેન ક્યારે અને ક્યા પ્લેટફોર્મ પર આવશે, તેની જાણકારી પણ આપવામાં આવે છે તે ઇન્ડીકેટર પણ બંધ હાલતમાં હોવાથી પ્રવાસીઓને જાણકારી મેળવવા પુછપરછ વિન્ડો પર જવું પડે છે. સીનીયર સિટીઝન લોકો દ્વારકા દર્શન કરવા આવતા હોય છે. અને લાંબા અંતરથી આવા ગમન માટે ટ્રેનનો સહારો લેતા હોય છે.

લાંબા અંતરની ટ્રેન ખાસ કરી 20થી 23 બોગીની હોય છે. જેના લીધે ટ્રેન પ્લેટફોર્મ પર આવે તેની દશ મીનીટ પહેલા જ પ્લેટફોર્મ પર બોગી ઇન્ડીકેટર ચાલુ કરવામાં આવે છે. જેથી પ્રવાસીઓ તેમની નિયત કરેલી બોગી પાસે ઉભા રહે છે. જોકે,હાલ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર બોગી ઇન્ડીકેટર બંધ હોવાથી પ્રવાસીઓને હાલાકી પડે છે.

ડિસ્પ્લે ચાલુ કરવા રજુઆત કરી છે, જલ્દી રીપેરીંગ થશે
રેલવે બોગી ઇન્ડીકેટર બંધ થવાની ફરીયાદ મને મળતા આ મામલે મે ડિવિઝનલ રેલવે મેનેજરને ફરીયાદ કરી તુરંત ડિસ્પ્લે ચાલુ કરવા માટે રજુઆત કરી છે અને જલ્દી રીપેરીંગ થઈ જશે. > ચંદુભાઇ બારાઇ, સદસ્ય, રેલ્વે સલાહકાર બોર્ડ, દ્વારકા.

પ્રવાસીઓને જાણકારી આપવા માટે સ્ટાફ ઉભો રાખી છીએ
રેલવે બોગી ઈન્ડીકેટર બંધ થવાથી અમે ઉચકક્ષાએ ફરિયાદ કરી છે અને પ્રવાસીઓને જાણકારી આપવા માટે અમે અમારો સ્ટાફ પણ ઉભા રાખીએ છીએ. > કૃષ્ણગોપાલ મુરલીધર ભાસ્કર, સ્ટેશન માસ્તર, દ્વારકા રેલ્વે સ્ટેશન.

અન્ય સમાચારો પણ છે...