ક્રાઇમ:મેવાસામાં ખરાબામાંથી 33.10 લાખની બોકસાઇટ ચોરી ઝડપાઇ

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે ખનન, સંગ્રહ અને પરિવહન કરતા 3 ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે સરકારી ખરાબામાંથી રૂ.33.10 લાખની બોકસાઇટ ચોરી ઝડપાતા ચકચાર જાગી છે. પોલીસે ગેરકાયદે ખનન, સંગ્રહ અને પરીવહન કરતા ત્રણ શખસોને પકડી પાડયા છે. પ્રાથમિક તપાસમાં 435 મેટ્રીક ટન ખનીજ ચોરી કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

435 મેટ્રીક ટન ખનીજની ચોરી કરી હોવાનું તપાસમાં ખૂલ્યું
કલ્યાણપુર તાલુકામાં એલસીબીના નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે મેવાસા ગામે સરકારી ખરાબામાં ગેરકાયદે રીતે જેસીબી વાહન દ્વારા હેમત ગાધેર નામનો શખસ બોકસાઇટનું ખનન અને સંગ્રહ કરી આ જથ્થો હદુભાઇ દેવાયતભાઇ લગરિયાના ટ્રકો મારફતે ભાટિયા મોકલવાની પેરવીમાં હોવાની બાતમી મળી હતી. આથી એલસીબીએ મોડીરાત્રીના દરોડા પાડી મેવાસા અને રાણ ગામ વચ્ચે બોકસાઇટ ભરેલા ટ્રકોને અટકાવી ચાલક બુધ્ધાભાઇ પરબતભાઇ સખરા(રે.રાણ) અને પાયલોટીંગ કરતા ટ્રક માલીક હદુભાઇને આંતરી બોકસાઇટની રોયલ્ટી અને આધાર માંગ્યા હતાં. પરંતુ કોઇ આધાર-પુરાવા ન હોય બંને શખસોને મેવાસા ગામે સરકારી ખરાબામાંથી બોકસાઇટનું ગેરકાયદે ખનન કર્યું હતું ત્યાં લઇ જવામાં આવ્યા હતાં.

જયાં મંગાભાઇ લુણા કે જેઓ અનઅધિકૃત રીતે બોકસાઇટ ખનન કરતા હોય તેને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને પકડી પાડયો હતો. દરોડા બાદ પોલીસે જાણ કરતા ખાણ ખનીજ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જેમાં પ્રાથમિક સર્વેમાં 435 મેટ્રીક ટન બોકસાઇટનું ગેરકાયદે ખનન કરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે બોકસાઇટ અને ટ્રક સહીત રૂ. 33.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...