25 વર્ષ બાદ કૉંગ્રેસનો વિજય:પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ પણ ભાણવડ નગરપાલિકા ના જીતી શકી

દેવભૂમિ દ્વારકા/ભાણવડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
જીતની ઉજવણી કરી રહેલા કૉંગ્રેસના કાર્યકર્તાઓ - Divya Bhaskar
જીતની ઉજવણી કરી રહેલા કૉંગ્રેસના કાર્યકર્તાઓ
  • ભાજપ માટે સોનાની થાળીમાં ભાણવડ પાલિકાએ લોખંડનો ખીલો ઠોક્યો
  • ધારાસભ્ય વિક્રમ માડમે જીતનો શ્રેય ભાણવડની જનતા અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને આપ્યો
  • ગુજરાતની અન્ય પાલિકા-પંચાયતમાં કૉંગ્રેસની હાર મુદ્દે ટીપ્પણી કરવાનું ટાળ્યું

ગુજરાતની પાલિકા-પંચાયતની યોજાયેલી સામાન્ય અને પેટાચૂંટણીઓમાં 76 ટકા બેઠકો કબજે કરવામા ભાજપ સફળ રહ્યું છે. પરંતુ, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં ભાજપની રણનીતિ પર કૉંગ્રેસની રણનીતિ ભારે પડી. ભાણવડ નગરપાલિકાની 24 બેઠકોમાંથી 16 બેઠકો કબજે કરી કૉંગ્રેસે બહુમતી મેળવી છે. તો ભાજપના ફાળે માત્ર 8 બેઠકો આવી છે. કૉંગ્રેસના ધારાસભ્યએ અહીં પાર્ટીની જીતનો શ્રેય ભાણવડની જનતા અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને આપ્યો હતો.

મધ્યસત્ર ચૂંટણીમાં કૉંગ્રેસે ભાજપ પાસેથી પાલિકા આંચકી
ભાણવડ નગરપાલિકા સુપરસીડ કરાયા બાદ અહીં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી. પાલિકાના 6 વોર્ડની 24 બેઠક કબજે કરવા ભાજપ અને કૉંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આજે અહીં પરિણામ જાહેર થતા કૉંગ્રેસના કાર્યકર્તાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. 24માંથી 16 બેઠકો કૉંગ્રેસે કબજે કરી છે જ્યારે 8 બેઠક ભાજપના ફાળે ગઈ છે.

ભાણવડ નગરપાલિકાનું વોર્ડ વાઈઝ પરિણામ

વોર્ડ નંબરભાજપકૉંગ્રેસ
131
222
304
422
504
613

વોર્ડ વાઈઝ આવેલા ચૂંટણી પરિણામ

ભાણવડ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણીમાં બે વોર્ડમાં કૉંગ્રેસની આખી પેનલ વિજેતા બની હતી. જ્યારે અન્ય ચાર વોર્ડની પેનલ તૂટી હતી. વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કૉંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો હતો. વોર્ડ નંબર 2માં બંને પાર્ટીના બબ્બે ઉમેદવારનો વિજય થયો છે., વોર્ડ નંબર 3માં કૉંગ્રેસની આખી પેનલ વિજેતા બની, વોર્ડ નંબર 4માં બંને પાર્ટીના બબ્બે ઉમેદવારનો વિજય, વોર્ડ નંબર 5માં કૉંગ્રેસની પેનલનો વિજય થયો, જ્યારે વોર્ડ નંબર 6માં ભાજપને 1 અને કૉંગ્રેસને 3 બેઠક મળી.

જીતનો શ્રેય જનતા અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને- વિક્રમ માડમ
ભાણવડ નગરપાલિકાની ચૂંટણી પર ખંભાળિયાના કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ સીધી નજર રાખી રહ્યા હતા. ખુદ વિક્રમ માડમે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. માડમે અહીં કૉંગ્રેસની જીતનો શ્રેય ભાણવડની જનતા અને કાર્યકર્તાઓને આપ્યો હતો. રાજ્યની અન્ય પાલિકા-પંચાયતોમાં કૉંગ્રેસની હાર મુદ્દે વિક્રમ માડમે ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...