વિજયનગરના પોળોમાં મહેસાણા જિલ્લાના ના સતલાસણા તાલુકાના કોઠાસણા ગામના આઠથી દસ મિત્રો શનિવારે પોળોમાં સહેલગાહે આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત વિસ્તારમાં મનાઈ છતાં કેટલાક યુવાનો હરણાવ નદીના ધરામાં ન્હાવા પડયા હતા. જે પૈકી બે યુવાનોનાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જેઓની લાશને સ્થાનિક યુવાનોએ બહાર કાઢી હતી. જેને પોસ્ટમોર્ટમ માટે ચોરીવાડ પીએચસી માં ખસેડવામાં આવી હતી.
આ અંગે વિજયનગર 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી.વિપુલભાઇ સોલંકીના જણાવ્યા અનુસાર શનિવારે સતલાસણાના કોઠાસણાના આઠ થી દસ મિત્રો ઇકોમાં પોળોમાં સહેલગાહે આવ્યા હતા.જેમાં પ્રતિબંધિત વિસ્તારમાં ન્હાવાની મનાઈ હોવા છતાં કેટલાક યુવાનો હરણાવ નદીમાં ન્હાવા પડયા હતા. જે પૈકી ચૌહાણ યુવરાજસિંહ લાલસિંહ (25) તથા ચૌહાણ દશરથસિંહ (18) નામના બે યુવાન હરણાવ નદીના ઊંડા ધરામાં ગરકાવ થઈ જતાં તેઓનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું.
આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરતાં 108 ઘટના સ્થળે પહોંચી હતી. જે દરમ્યાન આ સમાચાર આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતાં લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જેમાં સ્થાનિક યુવાનોએ બન્ને યુવાનોની લાશને નદીમાંથી બહાર કાઢી હતી. જેને પોસ્ટમોર્ટમ માટે ચોરીવાડ પીએચસી માં ખસેડવામાં આવી હતી.
આ ઘટનાની જાણ વિજયનગર પોલીસ તથા ધોલવાણી ફોરેસ્ટ સ્ટાફને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ લખાય છે ત્યાં સુધી વિજયનગર પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી. જ્યારે આ જ સ્થળ પર અત્યાર સુધીમાં કુલ પાંચથી વધુ વ્યક્તિઓ મોતને ભેટી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ સ્થળને સંપૂર્ણ પ્રતિબંધિત જાહેર કરવામાં આવે તેવી પણ લોકોએ ઉઠાવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.