તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પરોસડામાં જમીન-ઘર ખાલી કરાવવા મુદ્દે પાડોશીની હત્યા કરનારો પાડોશી ઝડપાયો

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર અને જમીન ખાલી કરાવવા અવારનવાર ધમકી આપતો, કંટાળી હત્યા કરી
  • ખેડબ્રહ્મા તાલુકાનો આદિવાસી પરિવાર કેલાવા ગામે જમીન ધરાવે છે, પાડોશી શખ્સ જમીન અને ઘર ખાલી કરાવવા ધમકીઓ આપતો હતો, કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી

ખેડબ્રહ્માના વતની અને વિજયનગરના કેલાવામાં જમીન અને ઘર ધરાવતા વ્યક્તિને પાડોશી શખ્સે જમીન અને ઘર છોડી જતાં રહેવા સતત ધમકીઓ આપ્યા બાદ શનિવારે સાંજે ઝઘડો કરી માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવાના મામલે વિજયનગર પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. વિજયનગર પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ખેડબ્રહ્માના બહેડિયાના રામાભાઈ સોલંકીએ 1995 માં પરોસડાના કેલાવામાં જમીન ખરીદી અને મકાન બનાવી પુત્રો કાળાજી રામાજી સોલંકી અને પ્રકાશભાઈ સોલંકીનો પરિવાર રહેતો હતો.

જેમના મકાન અને જમીનની બાજુમાં રામાભાઈ કોદરભાઈ ડાભી(ઠાકોર)ની જમીન છે. રામાભાઈ કોદરભાઈ ડાભી અવારનવાર કાળાજી રામાજી સોલંકી અને પ્રકાશભાઈ સોલંકીને તેમનું ઘર અને જમીન આપી દેવા અને છોડી દઈ જતા રહેવા માટે ધમકીઓ આપતો હતો. પરંતુ કાળાજી રામાજી સોલંકી અને પ્રકાશભાઈ સોલંકી તેમની જમીન કે ઘર ખાલી કરવા કે વેચવા સંમત ન હતા થતા.

જેની અદાવત રાખીને રામાભાઈ કોદરભાઈ ડાભીએ શનિવારે બપોરે સાંજે 4 થી 5 વાગ્યાના સુમારે કાળાજી રામાજી સોલંકી સાથે તકરાર કરી કાળાજીના માથામાં કુહાડીના ઘા ઝીંકતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાળાજી સોલંકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જમીનની તકરારમાં હત્યાના આ બનાવે ચકચાર મચાવી હતી.

આ મામલે મૃતક કાળાજી સોલંકીના ભાઈ પ્રકાશભાઈ સોલંકીએ રામાભાઈ કોદરભાઈ ડાભી(ઠાકોર) વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હત્યાના આરોપી રામાભાઈ કોદરભાઈ ડાભી(ઠાકોર)ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...