આજે નવરાત્રિ:વિજયનગરમાં શેરી ગરબાની શરૂઆત 64 વર્ષ પૂર્વે ઈડરના સોની પરિવારે કરાવી હતી

વિજયનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપરિવારથી શરૂ થયેલી નવરાત્રિની ઊજવણી આજે તાલુકાના ગામે ગામ થાય છે

વિજયનગરમાં સદીઓ પૂર્વે રજવાડા કાળમાં રાજપરિવારથી શરૂ થયેલી નવરાત્રિની ઉજવણી આજે તાલુકાના ગામે ગામ પહોંચી છે. ત્યારે 64 વર્ષ પૂર્વે વિજયનગરમાં શેરી ગરબાની શરૂઆત ઈડરના સોની પરિવારે કરાવી હતી. જે શેરી ગરબાઓનું આજે તાલુકાના 100થી વધુ સ્થાનો પર આયોજન થઈ રહ્યું છે. જેમાં માઈભક્તો નવરાત્રી દરમ્યાન શક્તિ ઉપાસનાની સાથે ખેલૈયાઓ આ વર્ષે સરકારી ગાઈડ લાઇન મુજબ ગરબે ઘુમશે.

હિંદુ ધર્મમાં શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રિનું અનેરું અદકેરું મહત્વ રહ્યું છે અને ગરબા ગુજરાતીઓની આગવી ઓળખ પણ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના આદિવાસી બહુમતી ધરાવતા વિજયનગર તાલુકામાં નવરાત્રિની શરૂઆત રજવાડા કાળમાં સદીઓ પૂર્વે રાજપરિવારથી શરૂ થઈ હતી. જે નવરાત્રિની ઉજવણી આજે તાલુકાના ગામે ગામ પહોંચી છે ત્યારે 64 વર્ષ પૂર્વે વિજયનગરમાં શેરી ગરબાની શરૂઆત ઈડરના કમળાબેન અને પોપટલાલ કોદરલાલ સોની પરિવારે કરાવી હતી. જેમાં ગેબીલાલ ત્રિવેદીના ઘર આગળ, ભીખાલાલ ન્યાલચંદની દુકાન આગળ અને ત્યારબાદ ઘાંચીના ઝાંપે શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવતું હતું.

વિજયનગરના અગ્રણી ઉમેદસિંહ ચૌહાણ તથા ભરતભાઈ નગારચીના જણાવ્યા અનુસાર રજવાડાના સમયમાં વિજયનગર દરબાર ગઢમાં માં નાગણેશ્વરી માતાજીના સાનિધ્યમાં ઘટ સ્થાપન બાદ રાજપરિવાર અને ગામના રાજપૂત પરિવારની મહિલાઓ દ્વારા ગરબા કરવામાં આવતા હતા. જે બાદ વિજયનગર મહારાવ સાહેબ હમીરસિંહજી, મહારાજ કુંવર પ્રતાપસિંહજી, નગરશેઠ કમળચંદ શાહ, મંગળજી મ્યાચંદ શાહ અને ગામના શ્રેષ્ઠીઓ હરજીભાઈ સુથાર, કાંતિભાઈ વ્યાસ, વિષ્ણુંપ્રસાદ ઉપાધ્યાયના આગ્રહથી માઈ મંડળની સ્થાપના થઈ અને જૈન દેરાસર સામેના ચોકમાં નવરાત્રિનું આયોજન થયું હતું. જે આજે તાલુકાના 100થી વધુ સ્થાનો પર આયોજન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...