કોરોના મહામારી:પોળોમાં પ્રવાસીઓથી સંક્રમણ રોકવા ચક્કાજામ

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આતરસુંબામાં રસ્તા રોકો આંદોલન કરવા મામલે ધારાસભ્ય સહિત આગેવાનો ની અટકાયત કરાઈ,નાયબ કલેકટર નાયબ પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા. પોળો પ્રવાસીઓ મુદ્દે નાયબ કલેકટર,નાયબ પોલીસ વડાએ ધારાસભ્યને સમજાવ્યા. - Divya Bhaskar
આતરસુંબામાં રસ્તા રોકો આંદોલન કરવા મામલે ધારાસભ્ય સહિત આગેવાનો ની અટકાયત કરાઈ,નાયબ કલેકટર નાયબ પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા. પોળો પ્રવાસીઓ મુદ્દે નાયબ કલેકટર,નાયબ પોલીસ વડાએ ધારાસભ્યને સમજાવ્યા.
  • આતરસુંબામાં રસ્તા રોકો આંદોલન કરવા પહોંચેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત 32ની અટકાયત
  • નાયબ કલેકટર, નાયબ પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવી ધારાસભ્યને સમજાવ્યા, પ્રવાસીઓને પાછા વાળ્યા

વિજયનગર તાલુકાના આંતરસુંબા આશ્રમ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા સંક્રમિત શહેર-વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ થકી સ્થાનીક લોકોમાં કોરોના ફેલાવાનો ડર પેદા થયા બાદ સ્થાનીક લોકોએ આંતરસુંબા ખાતે રવિવારે મોટી સંખ્યામાં એકત્ર થઈ રસ્તો રોકી દેતા પોલીસે ઉમિયાનગર ત્રણ રસ્તા આશ્રમથી જ પ્રવાસીઓને પાછા વાળ્યા હતા. દરમ્યાનમાં ધારાસભ્ય અને 32 સ્થાનીક લોકોની પોલીસે અટકાયત કરી હતી.

કોરોનાના કારણે સરકારે કેટલાક પ્રતિબંધ લાદ્યા છે. જેમાં માસ્ક અને સોંશયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજીયાત બનાવ્યું છે છતાંય વિજયનગર તાલુકાના અભાપુર પોળોમાં હજારો પ્રવાસીઓ ઉતરી આવ્યા હતા જ્યાં તેમના દ્વારા કોરોનાના સરકારી આદેશોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. સંક્રમિત વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓને કારણે પંથકની પ્રજા કોરોનાની ઝપટમાં ન આવે તે હેતુસર ધારાસભ્ય અશ્વિન કોટવાલે જીલ્લા કલેકટર સહિત રાજ્ય સરકારમાં રજુઆત કર્યા બાદ વિજયનગર તાલુકા ભાજપ, તાલુકા હેલ્થ કચેરી વગેરે દ્વારા પ્રવાસીઓ અંગે અટકાયતી પગલા લેવા રજૂઆતો થઈ છે દરમ્યાનમાં શનિ રવિવારની રજા આવી ગઈ અને પ્રવાસીઓ ઉમટવાની દહેશતને પગલે સ્થાનિકોએ મીટીંગ કરી જાતે જ પ્રવાસીઓને અટકાવવાનો નિર્ણય કર્યા બાદ રવિવારે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા અને ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલની હાજરીમાં રસ્તા રોકો આંદોલન શરુ કરતાં ડીવાયએસપી સુર્યવંશી, પ્રાંત અધિકારી હાર્દકુમાર, પીએસઆઇ મેહુલભાઈ કોટવાલે ધારાસભ્ય અને આગેવાનોને સમજાવ્યા હતા અને અટકાયત કરી હતી. આ દરમ્યાન પોળો આવવા નીકળી પડેલા પ્રવાસીઓને ઉમિયાનગર ત્રણ રસ્તા આશ્રમથી જ પોલીસે પાછા વાળી દીધા હતા.

સ્થાનિક લોકોમાં કોરોના ફેલાવાના ડરને પગલે રસ્તા રોકો આંદોલન કરાયું : ધારાસભ્ય
અમદાવાદ, વડોદરા, મહેસાણા અને હિંમતનગર જેવા શહેરો કોરોના મહામારીના હોટસ્પોટ છે. અને પોળોમાં આજ શહેરોના સહેલાણીઓના ધાડેધાડા ઉતરી પડતાં હોઈ સ્થાનીક લોકોમાં કોરોના મહામારી ફેલાવાનો ડર ઉભો થતાં પોળો આવતા પ્રવાસીઓને રોકવા જ આ રસ્તા રોકો આંદોલન કરાયું હોવાનું ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલે જણાવ્યું હતું.

સરકારના અભિપ્રાયની રાહ જોવાઇ રહી છે : કલેકટર
પોળોમાં બહારના પ્રવાસીઓ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા ચોમેરથી માંગ થઈ રહી છે ત્યારે જિલ્લા કલેકટર સી.જે.પટેલે જણાવ્યું કે સરકારનો અભિપ્રાય અને માર્ગદર્શન જરૂરી હોવાથી ગત સપ્તાહમાં આ અંગે જાણ કરી છે અને મોટાભાગે સોમવારે ફરીથી પ્રયાસ કરાશે.

પ્રતિબંધ હોવાનું જણાવાતા પરત ફરવું પડ્યું
રવિવારે સ્થાનીક લોકોના રસ્તા રોકો આંદોલનથી અજાણ અને પોળોમાં ફોટો શૂટ કરવા અને ફરવા આવેલા અમદાવાદ, મેઘરજ, ગાંધીનગર ખેડબ્રહ્માના લોકે જણાવ્યું કે અમને અહીં આવ્યા બાદ ખબર પડી અને પોળોને જોયા માણ્યા વગર પોલીસ દ્વારા પ્રતિબંધ હોવાનું જણાવાતા અમારે પરત ફરવું પડ્યું છે જ્યારે આ તમામ પ્રવાસીઓને કોરોનાનો ડર નથી તેમ પૂછતાં તેઓએ આ બાબતે પોતાનું મોં સીવી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...