તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘો વરસ્યો:વડાલીમાં આભ ફાટ્યું, અઢી કલાકમાં 6 ઇંચ વરસાદ

વડાલી, મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાલી શહેર તેમજ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં માર્ગોપર તેમજ સોસાયટીઓમાં ઢીંચણ સમાં પાણી ભરાયા હતા. - Divya Bhaskar
વડાલી શહેર તેમજ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં માર્ગોપર તેમજ સોસાયટીઓમાં ઢીંચણ સમાં પાણી ભરાયા હતા.
  • ઉત્તર ગુજરાતમાં વરસાદની રમઝટ, પાટણના સરસ્વતી અને મહેસાણામાં 3.5 ઇંચ, પાટણમાં અને દાંતામાં 2 ઇંચ, વાવમાં દોઢ ઇંચ
  • વડાલીમાં માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાતાં સ્થાનિકો પરેશાન, દુકાનોમાં પાણી ઘૂસ્યા, વિજયનગર અને ઇડરમાં પોણો ઇંચ, ખેડબ્રહ્મામાં અડધો ઇંચ

વડાલી તાલુકામાં શુક્રવારે સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સાંજના 5 થી 7 :30 સુધીમાં અઢી કલાકમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે 6 ઇંચ વરસાદ ખાબકી પડતાં જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી દેખાવા લાગ્યું હતું. શહેરના સહકારીજીન માર્ગ પરની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતાં દુકાનદારોને ભારે નુકસાન થયું હતું. ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે 25 જૂને ચોમાસાની શરૂઅાત થતી હોય છે. ચાલુ સાલે 8 દિવસ વહેલું ચોમાસું પ્રવેશ્યું છે.

ચાલુ સિઝને ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું પ્રવેશ દ્વાર મહેસાણા રહ્યું છે. પ્રથમ દિવસે જ વરસાદે રમઝટ બોલાવી હોય તેમ અરવલ્લી જિલ્લાને બાદ કરતાં 4 જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. 2 સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ, 1 વેસ્ટન ડિસ્ટબન્સ અને ટ્રફ લાઇનના કારણે ચોમાસાના પ્રથમ દિવસે મહેસાણા પંથકમાં માત્ર 2 કલાકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વડાલી તાલુકામાં મેઘરાજાએ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

વડાલીના ડિઝાસ્ટર નાયબ મામલતદાર ડી.એચ. જેતાવતના જણાવ્યા અનુસાર શુક્રવાર સાંજે 5 થી 6 દરમિયાન 49 મીમી અને 6 વાગ્યા પછી 98 મીમી દોઢ કલાકમાં પડતાં કુલ 147 મીમી વરસાદ વરસ્યો હતો. વરસાદથી સોસાયટીઓમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં બબ્બે ફૂટ પાણી ભરાતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સહકારીજીન રોડ પર ઢીંચણસમા પાણી ભરાતાં દુકાનોમાં ઘૂસતાં દુકાનદારોને પોતાની મહામૂલો માલસામાન બચાવવા જહેમત ઉઠાવવા છતાં પાણી ઘૂસતાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

અાજે પણ હળવાથી પોણા ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતા
હવામાન વિભાગની અાગાહી મુજબ, શનિવારે પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 2.5 મીમી થી પોણા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે. જો કે, અા વરસાદ સાર્વત્રિક નહી રહે. વરસાદ દરમિયાન ભારે પવન સાથે ગાજવીજ થવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે.

મહેસાણા જિલ્લો : મહેસાણામાં 89 મીમી, જોટાણામાં 69 મીમી, બહુચરાજીમાં 56 મીમી, કડીમાં 14 મીમી, વડનગરમાં 14 મીમી, વિસનગરમાં 10 મીમી વરસાદ

પાટણ જિલ્લો: પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકામાં 89 મીમી અેટલે કે 3.5 ઇંચ, પાટણમાં 59 મીમી એટલે કે 2.36 મીમી વરસાદ પડ્તાં ઠંડક પ્રસરી ગઇ હતી.

બનાસકાંઠા જિલ્લો : બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં બે કલાકમાં 2 ઇંચ, વાવમાં બે કલાકમાં દોઢ ઇંચ, લાખણી અને વડગામમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...