તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ભંડવાલના ખેડૂતને 50 રૂપિયે લિટર ડીઝલની લાલચમાં 100 લિટર ગંદુ પાણી પધરાવ્યું

વડાલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભંડવાલનો ખેડૂત સસ્તુ ડીઝલ ખરીદવાની લાલચમાં છેતરાઇ ગયો હતો. - Divya Bhaskar
ભંડવાલનો ખેડૂત સસ્તુ ડીઝલ ખરીદવાની લાલચમાં છેતરાઇ ગયો હતો.
  • હીટાચી મશીન ચલાવીએ છીએ અમારે ઘરે જવું છે પરંતુ શેઠ પૈસા નથી આપતો એટલે સસ્તા ભાવે 100 લિટર ડીઝલ વેચવું છે કહી બે ગઠિયા છેતરી ગયા

વડાલીના ભંડવાલના ખેડૂતને ગુરૂવારે બે ગઠિયા 50 રૂપિયે લિટર ડીઝલ આપવાની લાલચ આપી 100 લિટર ગંદુ પાણી પધરાવી રૂપિયા લઈ છૂ થઈ જતાં ખેડૂત છેતરાતાં અન્ય ખેડૂત તેનો ભોગ ન બને તે માટે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી અન્યને બચવા અપીલ કરી છે. જ્યારે બોગસ ડીઝલ વેચનાર ગેંગ તાલુકાના અન્ય ખેડૂતોને છેતરી ગઈ હોવાની તેને પકડવા લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે.

ભંડવાલના દલપતભાઈ માધાભાઈ પટેલ ગુરૂવારે ગામના પાદરે ગલ્લા પર ઉભા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સો આવી કહેવા લાગ્યા કે અમે હીટાચી મશીન ચલાવીએ છીએ અને ઘરે જવું છે પણ શેઠ પૈસા નથી આપતો એટલે સસ્તા ભાવે 100 લિટર ડીઝલ 60 રૂપિયાના ભાવે વેચવું છે. જેથી તેઓ લાલચમાં આવી જઈ આટલા બધા ભાવે ન પાલવે તેમ કહી રકઝક કરી 50 રૂપિયે લિટરનો ભાવ કરી 100 લિટરનો સોદો કર્યો હતો.

બંને શખ્સો એક કલાક બાદ બે કેરબામાં ડીઝલ ભરી તેમના કૂવા પર આવી ફોન કરતાં ખેડૂતે રૂ. 5000 આપી ડીઝલ ખરીદી ઘરે લાવ્યા હતા. જે બાદ ખેડૂત પોતાના ટ્રેક્ટરમાં ડીઝલ નાખવા જતા કેરબામાં ચાર ઈંચ જ ડીઝલ નીકળ્યા બાદ પાણી નીકળતા ખેડૂતને બોગસ ડીઝલ પધરાવી છેતરાયા હોવાનો અહેસાસ થતાં ગઠિયાઓને ફોન કરતાં બંધ આવ્યો હતો.

વડાલી તાલુકાના અન્ય ખેડૂતો પણ ગેંગનો ભોગ બન્યા
પ્રતિ લિટર 40 રૂપિયાનો ફાયદે ડીઝલ વેચવાવાળા શખ્સો કેટલાક દિવસોથી તાલુકાના ગામડાઓમાં ફરી રહ્યા હતા. તેમનો ભોગ બીજા લોકો પણ બન્યા છે. પણ છેતરતાં પોતાની ઇમેજ ખરડાવાના ભયે નામ બહાર ન પડવા બોલી રહ્યા નથી જેથી આ શખ્સોને પકડવા લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે.

ખેડૂતે વીડિયો બનાવી વાયરલ કરી અન્ય ખેડૂતોને ચેતવ્યા
ભંડવાલના દલપતભાઈ સસ્તુ ડીઝલ ખરીદવાની લાલચમાં છેતરાતાં અન્ય ખેડૂત લૂંટારું શખ્સોનો ભોગ ન બને તે માટે કેરબા સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વહેતો કરી બીજા લોકોને ભોગ બનતા ચેતવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...