પ્રાંતિજ તાલુકાના સલાલ પંથકમાં મોયદ ગામની સીમમાં ખેતરોમાં ખોદકામ કરી માટીનંુ વહન કરવા મામલે બાજુના ખેતરોની માટીનું ધોવાણ થવાની ભીતિ સર્જાતા ઘર્ષણની સ્થિતિ પેદા થઇ છે ત્યારે તંત્ર દ્વારા કાયદાની જોગવાઇઓનું પાલન કરાવાય તે જરૂરી બની રહ્યુ છે.
પ્રાંતિજ તાલુકાના સલાલ પંથકમાં ફેક્ટરીઓ, હોટલો, કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક ગોડાઉનોની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. જેમાં માટી પુરાણની જરૂરીયાત ઉભી થતા કોન્ટ્રાક્ટરો ખેડૂતોની જમીનો ઉતારી આપવાની લાલચો આપી ખેતરો ખોદી માટી ઉલેચી રહ્યા છે. મોયદ ગામના રણજીતસિંહ રાઠોડે જણાવ્યુ કે મારી જમીનની બાજુમાં કેશાભાઇ પટેલની જમીન છે તેમની જમીનમાં ખોદકામ કરી 4-5 ફૂટ નીચે ઉતારી દેતા અમારી જમીનનુ ચોમાસામાં ધોવાણ થઇ જવાની પૂરી શક્યતાઓ છે.
જમીન લેવલથી અઢી ફૂટ નીચે ખોદકામ ન કરવાની જોગવાઇ હોવા છતાં ખૂલેઆમ આવુ થઇ રહ્યુ છે અને પડોશીઓ સાથે ઘર્ષણની સ્થિતિ પેદા થઇ છે. તેમણે ઉમેર્યું કે માટી ખોદકામ કરનાર એજન્સી અવાજ ઉઠાવનાર ખેડૂતોને ડરાવી રહી છે અમે મંજૂરી લીધેલી છે અને રોયલ્ટી પણ ભરીએ છીએ વિરોધ કરશો તો મજા નહી આવે ત્યારે તંત્ર દ્વારા ખોદકામ કરેલ ખેતરનો સર્વે કરી કાયદાની જોગવાઇઓનુ પાલન કરાવવા માંગ ઉભી થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.