લોકકળા:પ્રાંતિજ પંથકમાં ભવાઈને જીવંત રાખવાનો પ્રયાસ

પ્રાંતિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નાયક સમાજ દ્વારા ભવાઈને જીવંત રાખવા પ્રયાસ. - Divya Bhaskar
નાયક સમાજ દ્વારા ભવાઈને જીવંત રાખવા પ્રયાસ.

પ્રાંતિજના તાજપુર, કરોલ, મજરા, વડવાસા, સીતવાડા, બોરીયા, સહિતના તાલુકાના ગામડાઓમાં નવરાત્રિના દશેરા પછી પરંપરાગત નાયક સમાજના માતાજીના સેવકો દ્વારા ભવાઈનો કાર્યક્રમ કરાય છે.જેમાં ભવાઈના મુખ્ય વાજિંત્ર તરીક નરગુ ,ભૂગળ અને કોસી જોડનો ઉપયોગ થાય છે. ત્યારે કનુભાઈ ચીમનભાઈ નાયક (તાજપુર) તેમજ તેમના સાથી કલાકારો દ્વારા તાલુકાના ગામડાઓમાં ભવાઈ ભજવાય છે.

કાર્યક્રમની શરૂઆત માતાજીની ગરબી તેમજ ગુણગાન ગાઇને કરાય છે. ભવાઈમાં બ્રાહ્મણનો વેશ ,ગણપતિનો વેશ અને ગ્રામજનોની હાસ્ય તેમજ મનોરંજન પૂરું પાડવા માટે જૂઠુંણનો વેશ પણ ભજવાય છે. માતાજીના ચાચર ચોકમાં નાયકનો દીકરો મહાકાળી માતાજીનો ગરબો માથે લઇ ગ્રામજનોને માતાજીના દર્શન કરાવે છે તેમાં ગ્રામજનો દ્વારા ગરબામાં માનેલી માનતા પરિપૂર્ણ થતાં ગ્રામજનો માતાજીના ગરબાના દર્શન કરે છે અને માતાજીની ગરબાને વધાવવા માટે દાન પણ અપાય છે.

વધુમાં અસાઈત દાદાના લખેલા 360 વેશ જેવાકે જશમા ઓડણ, શરણાઈ, મહિયારી જેવા અલગ-અલગ વેશ ભજવાય છે. ત્યારે તાલુકામાં પરંપરાગત રીતે ચાલતી હિન્દુ સંસ્કૃતિમાં નાયક સમાજના લોકો દ્વારા આજે પણ ગામડાઓમાં ભવાઈ જીવંત જોવા મળે છે. જેમાં ટેકનોલોજી યુગ હોવા છતાં પણ ભવાઈ જોવા માટે યુવાનો મહિલાઓ સહિત બાળકો ઉમટી પડે છે. બાબુભાઈ નાયક, કનુભાઈ નાયક, સંજય નાયક, મુકેશ નાયક જેવા કલાકારો દ્વારા ભવાઈનો કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...