ભંગાર વેચવાનો વિવાદ:પ્રાંતિજ પાલિકાએ સવા માસ અગાઉ વેચેલ ભંગારની રકમ જમા ન કરતાં તર્ક-વિતર્ક

પ્રાંતિજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર મામલામાં ચીફ ઓફિસરે ચૂપકીદી સેવી લીધી

પ્રાંતિજ પાલિકા દ્વારા સવા મહિના અગાઉ સરકારી અધિકારીઓની ગેરહાજરીમાં ભંગાર વેચવાનો વિવાદ શમ્યો નથી. એટલામાં ભંગારની રકમ પાલિકામાં જમા ન થઈ હોવાની વાત બહાર આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. ગંભીર મામલામાં ચીફ ઓફિસરે ચૂપકીદી સેવતા ચર્ચાઓને હવા મળી છે.

ગત તા.04-07-21ના રોજ રવિવારે સરકારી અધિકારીઓની ગેરહાજરીમાં ભંગાર વેચવાના મામલે પાલિકા સત્તાધીશો નગરજનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જે તે સમયે ચીફ ઓફિસરે લોકલ ટેન્ડર પ્રક્રિયા કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ સમગ્ર કાર્યવાહી દરમિયાન સરકારી કર્મચારીની ગેરહાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી. સવા મહિના બાદ પણ વિવાદ શમવાનું નામ નથી લેતો અને ભંગારની રકમ પાલિકામાં જમા ન થઈ હોવાની વાત બહાર આવી છે.

આ મામલે પ્રાંતિજ નગર પાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેરાને પૂછતાં કોઈપણ માહિતી આપવા ઈન્કાર કરી ચૂપકીદી સેવી લીધી હતી જ્યારે સેનેટરી ઇસ્પેક્ટર સંજયભાઈ ચૌધરીએ જણાવ્યું કે રવિવારની રજા હોઈ હું આવ્યો ન હતો અને રવિવારે ભંગારનું વેચાણ થયું હોઈ આ બાબતે કશું જાણતો નથી. ભંગારની રકમની જમા એન્ટ્રી મામલે પાલિકાના કર્મીઓ આધિકારિક રીતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી જેને કારણે ભંગારના વિવાદને હવા મળી છે અને મામલો ટોક ધી ટાઉન બન્યો છે.