ભાજપ શાસિત પ્રાંતિજ નગરપાલિકા દ્વારા 7 માસ અગાઉ લિટરબીન અને હેન્ડકાર્ટની કરાયેલ ખરીદીમાં અધિકારી - પદાધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો ભાજપ શહેર પ્રમુખ દ્વારા જ આરટીઆઇને આધારે મળેલ માહિતીને આધારે આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલે પાલિકા પ્રમુખથી માંડી ચીફ ઓફિસર સહિતના સ્પષ્ટતા કરવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા છે.
સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.08-09-21 અને 15-09-21 બે વખત લિટરબીન અને હેન્ડકાર્ટની ખરીદી કરાઇ હતી.જેમાં રૂ.9,23,600 માં 100 લિટરબીન અને રૂ.10,300 માં 15 હેન્ડકાર્ટની ખરીદી થઇ હતી ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટે આરટીઆઇથી મળેલ આ માહિતીને આધારે સીધો આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ અને પદાધિકારીઓએ ભેગા મળી નિયમો નેવે મૂકી ખરીદી કરાઇ છે. આટલુ ઓછુ હોય તેમ માત્ર આઠ લિટરબીન એપ્રોચ રોડ પર લગાવાયા છે. બાકીના પાલિકા સંચાલિત હાઇ.માં ધૂળ ખાય છે.
નગરપાલિકા પ્રમુખથી માંડી ચીફ ઓફિસર સહિતના સ્પષ્ટતા કરવામાં ગલ્લાં તલ્લાં
આ અંગે પાલિકા પ્રમુખ દિપકભાઇ કડીયાએ સેનેટરી ઇન્સ્પેક્ટરે ખરીદી રી છે તેને પૂછો અને સેનેટરી ઇન્સ્પેક્ટર સંજય ચૌધરીએ નિયમાનુસાર ખરીદી કર્યાનુ રટણ કર્યું હતુ તો ચીફ ઓફિસર હિરેન સોલંકીએ હું નવો છું કહું જાણતો નથી કહી હાથ ખંખેરી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.