ચકચાર:પોશીનાના કાળાખેતરામાં સાંજે બાળકને મગર ખેંચી ગયો સવારે 5 વાગે માથું અને ધડ જ મળતાં અરેરાટી

લાંબડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોશીના કાળાખેતરા ગામના આ તળાવમાં 10 થી 12 મગરો વસવાટ કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ કહ્યું - Divya Bhaskar
પોશીના કાળાખેતરા ગામના આ તળાવમાં 10 થી 12 મગરો વસવાટ કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ કહ્યું
  • શુક્રવાર સાંજે 7 વાગે બાળક તળાવમાં ભેંસોને પાણી પીવડાવવા જતાં મગર ખેંચી ગયો હતો
  • આખી રાત વન વિભાગ, ખેરોજ પોલીસ અને ફાયરની ટીમે શોધખોળ કરી, વહેલી સવારે લાશ મળી

પોશીનાના કાળાખેતરામાં શુક્રવાર સાંજે તળાવમાં 8 વર્ષનો બાળક ભેંસોને ચરાવવા જતાં બાળકને મગર ખેંચી જતાં ચકચાર મચી હતી. આ અંગે વનવિભાગ સહિત તંત્રે આખી રાત શોધખોળ કરી હતી. પરંતુ બાળકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. શનિવાર વહેલી સવારે પાંચ વાગે બાળકનું માથું અને ધડ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

કાળાખેતરામાં સિંચાઈ વિભાગના તળાવમાં શુક્રવારે મોડી સાંજે ભેંસોને તળાવ કિનારે પાણી પીવડાવવા જતાં 8 વર્ષીય અનિલકુમાર રાજુભાઇ ગમારને મગરે ખેંચી લેતાં પંથકમાં હાહાકાર મચી ગયો હતો. રાત્રે મોડું થઈ જતા અને મગરની હાજરીને કારણે શોધખોળ કરી થઈ શકી ન હતી. પરંતુ વહેલી સવારે તળાવ કિનારેથી બાળકનું માથું, ધડ અને પગનો એક ભાગ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

માગણીઃ તળાવની ફરતે તારની ફેંન્સીંગ અથવા પાકી બાઉન્ડ્રી વોલ હોવી જોઈએ
કાળાખેતરા ગામના ભૂરાભાઈ જોગીભાઈ ગમાર, દિતાભાઈ કસનાભાઈ ગમાર તેમજ વાદિરાભાઈ ફલજીભાઈ ગમારના જણાવ્યા મુજબ આ સિંચાઈ વિભાગના તળાવમાં નિયમિત અંતરાલે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. જેથી કાયમી ધોરણે આ તળાવની ફરતે તાર ફેંન્સીંગ કે પાકી બાઉન્ડ્રી વોલ હોવી જોઈએ જેથી ભવિષ્યમાં ફરી આવી ઘટના ઘટે નહીં.

10 કલાક પછી બાળકની લાશ મળી
પોશીના આરડીએફ પરિક્ષેત્ર વન વિભાગના આરએફઓ બી.સી.ડાભીએ જણાવ્યું કે, શુક્રવારે સાંજે 7 વાગ્યાના સુમારે બનેલી ઘટનામાં તળાવમાં 10 થી 12 મગરોના વાસ, રાત્રિના ઘનઘોર અંધારું તેમજ વધુ પાણી સાથે ઊંડાઈ હોવાના લીધે 10 કલાક પછી સવારે 5 વાગ્યે બાળકનું માથું, ધડ અને પગનો એક ભાગ મળતાં પીએમ માટે મોકલી અપાયા છે.

તળાવમાં 10 થી 12 મગરો વસવાટ કરે છે
વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય સોમજીભાઈ ખૈરે જણાવ્યું કે, તળાવ સિંચાઈ વિભાગ હેઠળ રેવન્યુ વિસ્તારમાં છે. સ્થાનિકો પોતાના ઢોર ઢાંખરને પાણી પીવડાવવા આવે છે અને ભોગ બને છે. ઉપરાંત તળાવ સિંચાઈ માટે પણ ઉપયોગી છે. તળાવમાં વસવાટ કરતાં 10 થી 12 જેટલા મગરોના લીધે અવારનવાર આવી ઘટનાઓ ઘટે છે. નજીકમાં મગરના વસવાટવાળુ બીજું તળાવ ગાંધીસણ ગામમાં છે આ મગરોને ત્યાં ખસેડી શકાય તેમ છે તેમજ આ તળાવ સાબરમતી નદીથી વ્હેળા સાથે સંલગ્ન પણ છે આથી નદીમાંથી ફરી મગર આ તળાવમાં ના આવે એ માટે વ્હેળામાં બેરેજ જેવી વ્યવસ્થા કરાય તો ગાંધીસણ તળાવને મગરના કાયમી વસવાટ તરીકે વિકસિત કરાય અને તળાવમાં બનતી આવી જોખમી ઘટનાઓ નિવારી શકાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...