ખરીફ વાવેતરમાં પૂરક ખાતરની જરૂર છે ત્યારે જ અને જૂન માસમાં વડાપ્રધાને ચાલુ વર્ષમાં ભાવ વધારો નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી હોવા છતાં વિવિધ પૂરક ખાતરોમાં રૂ.75 થી રૂ.125 રાતોરાત વધારી દેવાતાં ખેડૂતોમાં રોષની લાગણી પેદા થઈ છે અને તલોદ ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર આપી ભાવ વધારો પરત નહીં ખેંચાય તો ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડનાર હોવાની ચીમકી ઉચ્ચારી છે.
તલોદ ભારતીય કિસાન સંઘના પ્રમુખ કોદરભાઈએ જણાવ્યું કે હાલમાં રાજ્યના શિક્ષકો સાતમા પગારપંચની ભલામણો લાગુ કરાવવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પેટ્રોલ-ડીઝલ પંપના માલિકો કમિશન વધારવા હડતાળ પર ઉતરવાની ધમકી આપી રહ્યા છે. ડોક્ટરોનો ગામડાઓમાં ઓર્ડર કરાય તો હડતાળ પર ઉતર્યા છે પરંતુ ખેડૂત ક્યાં જાય, ખેડૂત હડતાળ પર ઉતરી જશે તો ભયંકર સ્થિતિનો સામનો કરવો પડશે.
સલ્ફેટમાં રૂ. 75, પોટાશના 125, એએચપીમાં રૂ.75 અને એન.પી.કે માં રૂ.125 રાતોરાત વધારી દીધા છે. આ બધા જ પૂરક ખાતરોની મગફળી, કપાસ, કઠોળ, દિવેલા વગેરેમાં અત્યારે જરૂરિયાત છે. જૂન માસના પ્રથમ અઠવાડિયામાં ખાતરનો ભાવ વધારો થતાં વડાપ્રધાને ચાલુ નાણાંકીય વર્ષમાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો નહીં થવાની જાહેરાત કરી હતી. પૂરક ખાતરોમાં રાતોરાત કરાયેલ ભાવ વધારો પરત નહીં ખેંચાય તો ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડનાર હોવાની ચીમકી સાથે તલોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.