તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજમાં કસ્ટોડિયલ ડેથ કેસ:પોલીસે યુવકને મારી નાખ્યાનો પત્ની અને માતાનો આક્ષેપ, મંદિરમાંથી છત્તરની ચોરી કરતા પકડાયો હતો

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક બાબુભાઈ - Divya Bhaskar
મૃતક બાબુભાઈ
  • પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં મંદિરમાં 14 છત્તરની ચોરી કરતાં 3 આરોપી પકડાયા હતા
  • પોલીસ મુદ્દામાલ રિકવર કરવા લઇ જતાં યુવક ભાગતાં હાંફ ચડતાં તબિયત બગડતાં સારવારમાં લઇ જવાયો, રાત્રે મોત

પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં મંદિરના 14 જેટલા ચાંદીના છત્તરની ચોરીના મામલામાં ત્રણ આરોપીઓ પૈકી એકનું તપાસ દરમિયાન મોત થતાં પ્રાંતિજ પીએચસીમાં ટોળા ઉમટ્યા હતા. મૃતકની માતા અને પત્નીએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યા હતા કે પેલા બે ને કેમ ન માર્યા આને એકલાને કેમ માર્યોના પગલે ખળભળાટ મચી ગયો હતો. જોકે, ફોરેન્સિક પીએમ માટે લાશને અમદાવાદ મોકલી અપાઇ છે અને પરિવારને પણ મૃતદેહ બતાવાયો હતો.

નાનીભાગોળ વિસ્તારના નાનાવાસમાં મચ્છી કેન્દ્ર સામે બળીયાદેવ મંદિરની બાજુમાં કાંઠાવાળી માતાજીના મંદિરમાં તા.03-09-21ના રોજ રાત્રે ચોરો ત્રાટક્યા હતા અને ચાંદીના 16 છત્તર પૈકી 14 ની ચોરી કરી હતી. આજુબાજુમાં તપાસ કરવા દરમિયાન ત્રણ શખ્શો રાત્રે મંદિરની આજુબાજુ ફરતા હોવાનું જાણવા મળતાં રાત્રે વોચ રાખી તા. 05-09-21ના રોજ બપોરે ત્રણ અજાણ્યા શખ્સોને પકડી મંદિરમાં પૂરી દીધા હતા અને પૂછપરછ દરમિયાન 14 છત્તર ચોરી ગયા બાદ બાકી રહી ગયેલ છત્તરની ચોરી કરવા આવ્યા હોવાની કબૂલાત કરતાં કૃણાલ રસિકભાઈ ભોઈ (રહે. વિસનગર), મહેશ ભલાભાઇ ભોઈ (રહે. વિજાપુર) અને બાબુભાઈ ઉર્ફે રોબટ રમેશભાઈને ભોઈ (રહે. પ્રાંતિજ) ને બપોરે સોંપ્યા હોવાની બાબુજી મગનજી મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી.

ત્રણ પૈકી બાબુભાઈ ઉર્ફે રોબટ રમેશભાઈ ભોઈ (35) ને લઇ પોલીસ મુદ્દામાલ રિકવર કરવા તપાસમાં નીકળી હતી. તે દરમિયાન બાબુભાઈએ ભાગવાનો પ્રયાસ કરતાં જેનો પીછો કરી પકડી લવાયો હતો અને રાત્રે મોત થતાં ખળભળાટ મચી ગયો હતો.લાશને અમદાવાદ મોકલાઇ છે.

પ્રાંતિજ મંદિરમાં થયેલ ચોરી મુદ્દે તપાસમાં એકનું મોત થતાં પ્રાંતિજ સીએચસીમાં ભીડ ઉમટી હતી.
પ્રાંતિજ મંદિરમાં થયેલ ચોરી મુદ્દે તપાસમાં એકનું મોત થતાં પ્રાંતિજ સીએચસીમાં ભીડ ઉમટી હતી.

મૃતક યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો: PI
પ્રાંતિજ પીઆઇ હાર્દિક ત્રિવેદીએ જણાવ્યું કે ત્રણેયને લોકોએ પકડી સોંપ્યા બાદ ચોરીની કબૂલાતને પગલે મુદ્દામાલ રિકવર કરવા લઈ જવા દરમિયાન બાબુભાઈએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને દોડવાને કારણે તેમને હાંફ ચઢી જતાં તબિયત બગડતાં સારવાર અર્થે લઇ જવાનો પણ પ્રયાસ કર્યો હતો. લાશ પરિજનોને બતાવી કોઈપણ શંકા ન રહે તે માટે ફોરેન્સિક પીએમ કરવા લાશને અમદાવાદ મોકલાઈ છે.

શરીર પર ઉઝરડાના નિશાન હતા:SDM
પ્રાંતિજ એસ.ડી.એમ. સોનલબેન પઢેરીયાએ જણાવ્યું કે પ્રાથમિક તબીબી પરિક્ષણમાં શરીર પર ઉઝરડાના નિશાન હતા પરંતુ શરીર પર એવા કોઈ નિશાન ન હતા જેનાથી મોત નિપજી શકે તેમ છતાં લાશને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ મોકલી છે.

વાયરલ : માતા-પત્નીના ગંભીર આક્ષેપો, પેલા બે ને કેમ ન માર્યા, આને એકલાને કેમ માર્યો
મૃતકની પત્ની અને માતાએ રૂદન સાથે પોલીસ સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો કે પેલા બે ને કેમ ન માર્યા, આને એકલાને કેમ માર્યો પગે લાગું છું અમારે આરોપી જોઈએ તેવું કલ્પાંત કરતો વીડિયો વાયરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...