ક્રાઇમ:વિરપુરના તલાટીનું લોલાસણના મહિલા તલાટીના પતિ સહિતે ગાડીમાં અપહરણ કરી મારમારી છોડ્યો

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને તલાટી સરકારી ક્વાટર્સમાંથી સાથે મળતાં તલાટીના પતિ અને સંબંધીઓએ ધીબી નાખ્યા બાદ અપહરણ કર્યું
  • ગાડીમાં​​​​​​​ અપહરણ કરી ઇડર બાજુ લઇ જઇ લોખંડની પાઇપ લઇ તૂટી પડ્યા, તલાટીને અર્ધબેભાન અવસ્થામાં મૂકી મહિલા સહિત 5 જણાં રફૂચક્કર, મહિલા સહિત પાંચ જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

હિંમતનગર શહેરના સિદ્ધાર્થનગરમાં શુક્રવારે બપોરે હિંમતનગરના લોલાસણના મહિલા તલાટીના પતિ અને સંબંધીઓએ હિંમતનગરના વિરપુરમાં ફરજ બજાવતા તલાટીના મિત્રના સરકારી ક્વાટર્સમાંથી બંને સાથે મળી આવતાં વહેમ રાખી ધીબી નાંખ્યા બાદ અપહરણ કરી લઈ જઇ ગોંધી રાખવા અંગે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વિરપુર તલાટીએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે મહિલા તલાટીના પતિ સહિત પાંચ જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ કલોલના બોરીસણાના વતની અને હાલ હિંમતનગરમાં તથા વિરપુર તલાટી તરીકે ફરજ બજાવતાં જીગ્નેશભાઈ નરેન્દ્રભાઈ વાલેરા ગત તા. 12-11-21 ના રોજ રજા ઉપર હતા અને કાટવાડ તલાટીને મળવા ગયા બાદ જામળા પંચાયતમાં કામ હોવાથી જામળા ગયા હતા. જીગ્નેશભાઈના જણાવ્યાનુસાર પંચાયતના ક્લાર્કના મોબાઈલ પર નજીકની પંચાયતના લોલાસણના મહિલા તલાટીનો ફોન આવ્યો હતો અને જીગ્નેશભાઈ સાથે વાત કરી હતી કે તેમને વિરપુર પંજાબ નેશનલ બેંકમાં કામ હોઇ તેજપુરા પાટિયાથી સાથે લેતાં જજો જેથી જીગ્નેશભાઈ મહિલા તલાટીને સાથે લઈ વિરપુર બેંકમાં ગયા હતા અને સહીના નમૂનામાં ફેરફાર કરવા સરપંચની સહીની જરૂર હોવાથી તેમનો સંપર્ક કરતાં તે હિંમતનગર હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ જીગ્નેશભાઈ, મહિલા તલાટી અને જામળા પંચાયત ક્લાર્ક ગાડીમાં બેસી હિંમતનગર આવ્યા હતા અને જીગ્નેશભાઈની ફાઈલ તેમના મિત્ર ધ્રુવ દવેના રૂમ પર ભૂલી ગયા હોઇ પંચાયત ક્લાર્કને બહુમાળીમાં ઉતારી બંને ધૃવ દવેના ક્વાર્ટર પર ગયા હતા. દરમિયાનમાં બપોરે ત્રણેક વાગ્યે કેટલાક શખ્સો બારણું ખખડાવી અંદર ધસી આવ્યા હતા અને મહિલા તલાટીના પતિ તરીકે ઓળખ આપનાર જીગરભાઈ તથા તેમના સંબંધીઓ જીગ્નેશભાઈને મારવા લાગ્યા હતા અને થોડીવાર પછી બંનેને બળજબરીપૂર્વક ખેંચી નીચે લાવી બોલેરોમાં બેસાડી દીધા હતા. જ્યાં એક મહિલા અગાઉથી ગાડીમાં બેઠેલી હતી.

ગાડી ઇડર શુભમ માર્બલમાં લઇ જઇ જીગ્નેશભાઈને ગાડીમાંથી નીચે ઉતાર્યા હતા ત્યાં અગાઉથી બે શખ્સો હાજર હતા તે પૈકી એક જણ લોખંડની પાઇપ લઈને તૂટી પડયો હતો અને બીજાએ ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ગાડી ઇડર તરફ લઈ ગયા હતા અને જીગ્નેશભાઈને અર્ધબેભાન અવસ્થામાં ગાડીમાં લોક કરી ગોંધી રાખી મૂકીને તમામ લોકો જતા રહ્યા હતા.

આમની સામે ફરિયાદ
મોહનભાઈ, નયનાબેન દિનેશભાઇ પરમાર, હરેશભાઈ, દિનેશભાઇ પરમાર અને જીગરભાઈ

અન્ય સમાચારો પણ છે...