સાબરદાણ બનાવવા પંજાબ અને હરિયાણાથી રો-મટેરિયલ લઈને આવતી ટ્રકોમાંથી માલ ખાલી કરવામાં ચાર થી પાંચ દિવસનુ વેઇટીંગ ચાલી રહ્યું છે. જેને પગલે સાબરદાણના પાર્કિંગ અને નવા બની રહેલ નેશનલ હાઈવેની જગ્યા પર 80 થી 90 ટ્રકોનો ઝમેલો જોવા મળી રહ્યો છે. સાબરદાણ બનાવવા વપરાતું રો-મટેરિયલ પંજાબ અને હરિયાણાથી આવે છે. છેલ્લા એક સપ્તાહથી રો-મટેરિયલની આવક વધી ગઇ હોવાનું ડેરી સૂત્રો દ્વારા જણાવાઇ રહ્યું છે.
હાલમાં સાબરદાણના હાઇવે ટચ પાર્કિંગ પ્લોટ અને હાઇવેના સર્વિસ રોડ તથા મુખ્ય માર્ગ વચ્ચે ટ્રકોનો ઝમેલો જોવા મળી રહ્યો છે. એક બાજુ હાઇવેનું કામ રગશીયા ગતિથી ચાલી રહ્યું છે અને હાઈવે પર ખાડાની ભરમાર વચ્ચે અકસ્માત સર્જાતાં રહે છે આવી સ્થિતિમાં હાઈવે પર ટ્રકોનો જમાવડો જોખમરૂપ બની રહ્યો છે. ટ્રકના ડ્રાયવર જગતારસિંઘે જણાવ્યું કે અમે ત્રણ દિવસથી આવ્યા છીએ ટ્રક ખાલી થઈ નથી વેઇટીંગ લાંબું છે અને હરિયાણાથી ગાડીઓ આવી રહી છે.
આ અંગે સાબરદાણના મેનેજર અશોકભાઈ પટેલે જણાવ્યું કે રોજની ક્ષમતા 1250 ટનની છે 1100 ટન પ્રોડક્શન થાય છે. જરૂરિયાત મુજબ જ સપ્લાયરોને ઓર્ડર અપાય છે પરંતુ મિલરો તેમની સહુલિયત મુજબ ટ્રકો રવાના કરી દે છે. પ્લાન્ટમાં 40 થી 50 ટ્રક ખાલી કરી શકાય છે અને વેઇટીંગ હોય તો ટોકન અપાય છે.
હિંમતનગર ટ્રાન્સપોર્ટ એસો.ના સલીમભાઇ કંડીયાએ જણાવ્યું કે વેપારીઓએ માલ ચઢાવવા ઉતારવાની જવાબદારી ટ્રક માલિકો ઉપર ઠોકી બેસાડી છે અત્યાર સુધી વેપારીઓ ચૂકવતા હતા. જે પોસાય તેમ નથી જેને કારણે એક હજારથી વધુ માલવાહક વાહનો ઉભા કરી દીધા છે રવિવારથી હડતાળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.