આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ:ઇડરના માઢવા પાસેથી ત્રણ ચંદનચોરો 153 કિલો ચંદનના લાકડાં સાથે પકડાયાં

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇડરના માઢવા નજીક ત્રણ ચંદનચોરો મુદ્દામાલ સાથે ઝડપાયા. - Divya Bhaskar
ઇડરના માઢવા નજીક ત્રણ ચંદનચોરો મુદ્દામાલ સાથે ઝડપાયા.
  • પીકઅપ ડાલાના ચોરખાનામાં 3 લાખનું ચંદનનું લાકડુ સંતાડ્યુ હતું
  • તાજેતરમાં વડનગર અને ખેરાલુ તાલુકામાં થયેલી ચંદનચોરીનો ભેદ ખૂલવાની પણ સંભાવના

ઇડર-ખેરાલુ રોડ પર ઇડરના માઢવા ચેકપોસ્ટેથી જાદર પોલીસે સોમવારે મળસ્કે ચાર વાગે શંકાસ્પદ પીકઅપ ડાલાને ઝડપ્યા બાદ ત્રણ શખ્સોની પૂછપરછ બાદ ડાલામાં નીચેના ભાગે ચોરખાનું બનાવી ચંદનનું લાકડું લઇ જતાં હોવાની માહિતી મળતાં ચોરખાનામાંથી રૂ.3,06,000 નું 153 કિ.ગ્રા. ચંદનનું કાપેલુ લાકડું કબ્જે લઇ ત્રણેયની અટકાયત કરી કુલ 5 જણાં સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇડર - ખેરાલુ માર્ગ પર માઢવા ચેકપોસ્ટ પર જાદર પોલીસ દ્વારા રવિવારે રાત્રે વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. દરમિયાન સોમવારે મળસ્કે ચારેક વાગ્યાના સુમારે ખેરાલુ બાજુથી આવી પહોંચેલ સફેદ રંગના પીકઅપ ડાલાને અટકાવી તપાસ હાથ ધરતાં આગળ પાછળની નંબર પ્લેટો અલગ અલગ જણાતાં જાદર મોબાઇલને જાણ કરી હતી અને વધુ પોલીસ કુમક આવી પહોંચ્યા બાદ ડાલામાં સવાર આસીફ ઇમામ પઠાણ, અન્ના લક્ષ્મણ ગાયકવાડ અને યોગેશ રાનબા કામ્બલે (ત્રણેય રહે. ઘોડેશ્વરી દેવી રોડ, ઘોડેગાંવ તા. નેવાસા જી.અહમદનગર મહારાષ્ટ્ર)ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જાદર પીએસઆઇ એન.એમ. ચૌધરીએ જણાવ્યું કે ત્રણેય શખ્સો પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યા હતા અને ડાલામાં ચોરખાનુ બનાવી નીચેના ભાગે પ્લાસ્ટીકના 6 કોથળામાં ચંદનના લાકડાના ટુકડા ભરીને સંતાડ્યા હોવાની કેફિયત જણાવતાં ડાલામાં તપાસ કરતા ચોરખાનામાંથી 153 કિગ્રા ચંદનના લાકડાના ટુકડા કિ.રૂ. 3,06,000 નો જથ્થો કબ્જે લઇ જાદર પોલીસ સ્ટેશનમાં ચંદનનું લાકડુ મંગાવનાર હાજીભાઇ (રહે. કનોજ ઉત્તરપ્રદેશ) તથા ચંદનનું લાકડુ ભરી આપનાર ખેરાલુ બાજુના અજાણ્યા શખ્સ સહિત કુલ પાંચ જણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તેમણે ઉમેર્યું કે ચંદનનુ લાકડુ કનોજ લઇ જવાતુ હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે. એક માસ અગાઉ વડનગર અને 20 દિવસ અગાઉ ખેરાલુ આસપાસ ચંદનના વૃક્ષની ચોરી થવાની પ્રાથમિક માહિતી મળી છે. ત્રણેય શખ્સ પરપ્રાંતિય છે અને ચંદનનું લાકડુ કોણે ક્યાંથી ભરી આપ્યુ તે નક્કી થયા બાદ ચોરીના ચંદનની આંતર રાજ્ય હેરફેર કરવાના રેકેટનો પર્દાફાશ થશે તેવુ માનવામાં આવી રહ્યુ છે.

પકડાયેલા ચંદનચોર
આસીફ ઇમામ પઠાણ, અન્ના લક્ષ્મણ ગાયકવાડ અને યોગેશ રાનબા કામ્બલે (ત્રણેય રહે. ઘોડેશ્વરી દેવી રોડ, ઘોડેગાંવ તા. નેવાસા જી.અહમદનગર મહારાષ્ટ્ર)

આમની સામે ફરિયાદ

  • ચંદનનું લાકડુ મંગાવનાર હાજીભાઇ (રહે. કનોજ ઉત્તરપ્રદેશ)
  • ચંદનનું લાકડુ ભરી આપનાર ખેરાલુ બાજુનો અજાણ્યા શખ્સ
અન્ય સમાચારો પણ છે...