બેદરકાર તંત્ર:લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ 5 મહિનામાં સાબરકાંઠામાં 17 ફરિયાદ થઇ, 6 પેન્ડિંગ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 22 ઓનલાઈન ફરિયાદો 40 દિવસથી પડતર, 6 અરજીઓનો તપાસ બાદ નિર્ણય

ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગ કાયદો અમલી બનાવ્યા પછી પાંચ મહિનામાં સાબરકાંઠા જિલ્લામાં તંત્ર સમક્ષ 17 જેટલી ઓફલાઇન અરજીઓ કરાઇ હતી. જેમાં 6 અરજીઓ પડતર છે. જ્યારે છેલ્લા 40 દિવસ દરમિયાન કરાયેલ 22 અરજીઓમાં સ્થાનિક તંત્ર લોગ-ઇન ન કરી શકવાને કારણે દેખાતી જ નથી.

લેન્ડ ગ્રેબીંગનો કાયદો અમલી બનવાની સાથે સાબરકાંઠા જિલ્લામાં જાન્યુઆરીથી મે માસ દરમિયાન અરજીઓ થવાની શરૂ થઈ ગઈ છે જેમાં વર્ષો જૂના વેચાણ ગેરકાયદે હોવાની પણ વારસદારો દ્વારા રાવ ઉઠાવાઈ રહી છે. આ તમામ કિસ્સામાં જમીનની હાલ ની કુલ કિંમત કરોડોમાં થવા જાય છે. કુલ 15 હેક્ટર માટે ફરિયાદો નોંધાઇ છે. ડિસે - 20 માં કાયદો અમલી બનાવાયો હતો અને જમીન માફિયાઓએ જે જમીન પચાવી પાડી છે અને ફરિયાદ પુરવાર થાય તો નવા કાયદા પ્રમાણે મહત્તમ 14 વર્ષની સજાની જોગવાઈ છે.

નિવાસી નાયબ કલેકટર એચ.આર. મોદીએ વિગત આપતાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 17 જેટલી ઓફલાઈન અરજીઓ મળી છે. જેને સંલગ્ન વિભાગમાં મોકલી તપાસને અંતે તથ્ય હોય તો આક્ષેપિતો વિરુદ્ધ ગુનો નોંધાય છે. અત્યાર સુધીમાં 12 વિરુદ્ધ 11 ફરિયાદો નોંધાઈ ચુકી છે અને 6 અરજીઓનો તપાસ અહેવાલ આવ્યા બાદ નિર્ણય લેવાશે. ઓનલાઇન અરજીઓ અંગે તેમણે જણાવ્યું કે લોગઈન થતું ન હતું જેથી અરજીઓ દેખાતી ન હતી પરંતુ શુક્રવારે લોગઈન કરી શકાયું છે અને 22 ઓનલાઇન અરજીઓ થઈ છે. 30 એપ્રિલે અરજી કરનાર રણજીતસિંહ સોલંકીએ જણાવ્યું કે મેં 2 હજાર ફી ભરીને ઓનલાઈન અરજી કરી છે. ગાંધીનગર સચિવ કક્ષાએથી કે સ્થાનિક કચેરીમાંથી તપાસ કરવા છતાં પ્રતિસાદ મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...