હિંમતનગર શામળાજી હાઇવે પર જવાનપુરા ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ પર માલિક અને કર્મચારીઓ પંપ આગળ જ સૂઇ રહ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ પંપની ઓફીસમાં ઘૂસી ટેબલ પર પડેલ ડ્રોઅરની ચાવી લઇને ડ્રોઅરમાંથી રૂ.1.50 લાખ લઇ ફરાર થઇ જતા ગાંભોઇ પોલીસે ગુનો નોંધી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જવાનગઢ ગામની સીમમાં આવેલ શ્રીપતિ પેટ્રોલીયમના ભાગીદાર મહેન્દ્રસિંહ દિલીપસિંહ રહેવર નિત્યક્રમ મુજબ તા.02/05/22ના રોજ સાંજે છ એક વાગ્યે પંપ પર આવ્યા હતા અને રાત્રે જમીને પેટ્રોલ પંપ પર ઓફિસની સામે જ સૂઇ ગયા હતા. સવારે સાતેક વાગ્યે પંપ પર નોકરી કરતા દિલીપસિંહ બાલુસિંહ ઝાલાએ ટેબલના ડ્રોઅરમાં મૂકેલ વકરો જોવા ન મળતા મહેન્દ્રસિંહને જાણ કરી હતી.
જેથી તેમણે તેમના મિત્રને બોલાવી સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા વહેલી સવારે 5:03 કલાકે એક શખ્સ પંપના કંપાઉન્ડમાં આવી ઓફિસનો દરવાજો ખુલ્લો હોઇ ઓફિસમાં ઘૂસી ટેબલ પર પડેલ ડ્રોઅરની ચાવી લઇ ડ્રોઅરમાંથી કેશ કાઢી ઓફિસની બહાર નીકળી પાછળના ભાગે જતો અને પાછળના ભાગે અન્ય બે શખ્સો રેકી કરતા જોવા મળ્યા હતા. ગાંભોઇ પોલીસે મહેન્દ્રસિંહની ફરિયાદને આધારે રૂ.1.50 લાખ રોકડની ચોરીનો ગુનો નોંધી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.