સાબરડેરીના લાલપુરમાં ગોડાઉનમાંથી ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન બબ્બે વખત દૂધ પાવડરની લાખોની 124 બેગની ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. પહેલી વખત 84 બેગની ચોરી થવા છતાં ડેરી દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં ગોડાઉનનું તાળું તોડ્યા વગર બીજી વખત દૂધ પાવડરની 40 બેગની ચોરી થઇ હતી. રૂરલ પોલીસે ડેરીના એક રોજમદાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાબરડેરીએ ભાડેથી વિવિધ સ્થળે રાખેલ ગોડાઉનો પૈકી લાલપુરના ભાડેથી રાખેલ ગોડાઉનમાં સાબરડેરીએ તા.10-02-22 થી 16-02-22 દરમિયાન દૂધ પાવડરની 25 કિગ્રાની 6040 બેગ સાબરડેરી લઇ જવાઇ હતી અને ગોડાઉનમાં 58660 બેગ વધી હતી. જેની નોંધ તા.17-02-22 ના રોજ કરાઇ હતી.નિત્યક્રમ મુજબ દર માસના અંતે કરાતું સ્ટોક વેરીફીકેશન તા.28-02-22 ના રોજ કરતાં રૂ.6700 ની એક એવી દૂધ પાવડરની 84 બેગની ઘટ આવી હતી જેની ડેઇલી વેઝીઝ પર કામ કરતા રોહિતભાઇ ભીખાભાઇ પરમાર (રહે. રામપુર (છો) એ સુપરવાઇઝર ને જાણ કરી હતી અને સુપરવાઇઝરે પ્રોડક્શન સુપ્રિટેન્ડન્ટ અવિનાશ ધીરૂભાઇ ચૌધરીને જાણ કરતા બંને જણાએ ગોડાઉન પર જઇ ચકાસણી કરી હતી અને બેગની ચોરી થયાની ખબર પડતા પ્રોડક્શન મેનેજર કે.કે.જૈન, પાવડર ઇન્ચાર્જ એચ.કે.પટેલ તથા પ્રોસેસ ઇન્ચાર્જ ડી.જે. જોષીને જાણ કરી હતી.
તેમણે ઇન્ચાર્જ એમ.ડી. એ.કે. બયાતીને પોલીસ કાર્યવાહી માટે જાણ કરી હતી પરંતુ અગમ્ય કારણોસર કોઇપણ પ્રકારનો નિર્ણય ન લેવાતા તા.27-03-22 ના રોજ ડેરીના ઇન્ટરનલ ઓડીટ વિભાગે સ્ટોક ગણતરી કરતાં વધુ 40 બેગની ચોરી થયાનું બહાર આવ્યુ હતું અને ગોડાઉનને મારેલ તાળુ જે તે સ્થિતિમાં હતું.
એક મહિનામાં બબ્બે વખત ચોરીની ઘટના બન્યા બાદ ડેરી તંત્ર જાગ્યુ હતુ અને અવિનાશ કુમાર ચૌધરીને ફરિયાદ નોંધાવવા સૂચના આપતા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી અને માર્ચ બે મહિનામાં બે વખત રૂ.6700 ની એક એવી કુલ 124 દૂધ પાવડરની બેગ કુલ કિ.રૂ. 8,30,800 ની ચોરી થવા અંગે રોહિતભાઇ ભીખાભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.