વિવાદનો અંત:બોરીયાની સીમમાં તોડી પડાયેલ ગોગા મહારાજના મંદિરનું પુનઃ સ્થાપન કરાશે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર-અમદાવાદ ને. હાઇવે પર 12 દિવસ અગાઉ મંદિર તોડી પડાયું હતું
  • સિંચાઇ વિભાગને જમીન ફાળવવા ભલામણ કરાઇ, કોન્ટ્રાક્ટર મંદિર બનાવી આપવા સંમત

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર સાબર ડેરીની સામે આવેલ ગોગા મહારાજનું વર્ષો પુરાણું મંદિર 12 દિવસ અગાઉ તોડી પાડવામાં આવ્યા બાદ ભારે રોષ પેદા થતાં કેનાલની બાજુમાં મંદિર માટે જગ્યા ફાળવવા સિંચાઇ વિભાગને ભલામણ કરાઈ છે અને રોડ કોન્ટ્રાક્ટર પણ મંદિર બનાવી આપવા સંમત હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સમગ્ર વિવાદનો મહદંશે અંત આવી ગયો છે.

સમગ્ર ઘટનાની ટૂંકમાં વિગત એવી છે કે ગત તા.05-04-22ના રોજ હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર બોરિયા-ખુરાદ ગામની સીમમાં સાબર ડેરીની સામે હાઇવેની બિલકુલ બાજુમાં આવેલ ગોગા મહારાજનું પૌરાણિક મંદિર હાઈવેને સિક્સલેન કરવામાં આવી રહ્યો હોવાથી પોલીસ પ્રોટેક્શન સાથે તોડી પાડવામાં આવ્યું હતું હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન મંદિરને એકાએક તોડી પાડવામાં આવતા અને મૂર્તિઓના ઉત્થાપનનો પણ સમય આપવામાં ન આવતા ભારે રોષ પેદા થયો હતો.

બોરીયા ખુરાંદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રજુજી મકવાણાએ જણાવ્યું કે મંદિર તોડી પડાયા બાદ અમે સાંસદ સહિત હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને મળ્યા હતા અને સમગ્ર ઘટના બાબતે રજૂઆત કરી હતી. ધારાસભ્યએ સિંચાઇ વિભાગને કેનાલની પાછળની બાજુએ આવેલ સિંચાઈ વિભાગની ખુલ્લી જગ્યામાં મંદિર માટે જગ્યા ફાળવી આપવા ભલામણ કર્યા બાદ ગ્રામ પંચાયતે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને મંદિર માટે જગ્યા ફાળવવા માંગણી કરી છે તેમણે નેશનલ હાઈવે ઓથોરિટીએ નવીન મંદિર બનાવી આપવા જવાબદારી લીધી છે કે નહીં તેની પણ માહિતી માંગી છે.

વિશ્વસ્ત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જમીનની ફાળવણી થયા બાદ કોન્ટ્રાક્ટરે મંદિર બનાવી આપવા સહમતી આપી છે અને ગ્રામજનોએ પણ તૈયારી બતાવી છે. હિંમતનગર ધારાસભ્યના પ્રયાસ બાદ મંદિર તોડવાનો વિવાદ મહદંશે શમી ગયો છે અને આનંદની લાગણી પેદા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...