તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:ઓક્સિજનની જરૂરિયાત વધતાં ભાવવધારો લેવા ધમકી

હિંમતનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરનું ઉત્પાદન કરતી રાજ્યની એકમાત્ર વિનાયક ટ્રેડર્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પોર્ટેબલ સિલિન્ડરનું વિતરણ કરી તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરી શકાય તેની સમજ આપી હતી - Divya Bhaskar
પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરનું ઉત્પાદન કરતી રાજ્યની એકમાત્ર વિનાયક ટ્રેડર્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પોર્ટેબલ સિલિન્ડરનું વિતરણ કરી તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરી શકાય તેની સમજ આપી હતી
  • હિંમતનગર સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટને ઓક્સિજન સપ્લાયરે ગમે ત્યારે સપ્લાય બંધ કરવાની ધમકી આપતાં ચકચાર
  • સિવિલ પ્રશાસનનો ભાવ વધારો આપવાનો ઇન્કાર, વૈકલ્પિક વ્યવસ્થા માટે તજવીજ હાથ ધરાઇ

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવારમાં છેલ્લા દોઢેક માસથી ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ વધવાની સાથે જ સપ્લાયરે ભાવ વધારો માંગી ગમે ત્યારે સપ્લાય બંધ કરી દેવાની ધમકી આપી હોવાની ચોંકાવાજનક બીના બહાર આવી છે. દર્દીના જીવન - મરણ સાથે સંકળાયેલ એકમાત્ર ઉપચાર બંધ કરવાની ધમકી આપનાર એજન્સી વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે જોકે, પ્રશાસન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા માટે તજવીજ હાથ ધરાઇ છે.

કોરોના કાળમાં ઓક્સિજનની સારવાર એકમાત્ર મહત્વનો ઉપચાર છે તેવા સંજોગોમાં હિંમતનગર GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરનો સપ્લાય કરતી હિન્દુસ્તાન કોર્પોરેશન નામની કંપની ભાવ વધારો લેવા માટે માનવતા મૂકીને ગમે ત્યારે સપ્લાય બંધ કરી દેવાની ધમકી આપી રહી હોવાની ચોંકાવાજનક બીના બહાર આવી છે. કોરોનાના દર્દીઓને ઓક્સિજન લેવલ ઓછું થતા બહારથી ઓક્સિજન આપવામાં આવે છે અને આ એકમાત્ર જીવન રક્ષક ઉપચાર બની રહે છે આવા સંજોગોમાં ઓક્સિજન ન મળે તો દર્દીનું મોત નિપજવાની સંભાવનાઓ અનેક ગણી વધી જાય છે.

આ અંગે સિવિલના આર.એમ.ઓ ર્ડા. એન.એમ. શાહે જણાવ્યું કે ગેસ સપ્લાયર છેલ્લા કેટલાક સમયથી વધારે ભાવ લેવા માટે હેરાન કરી રહ્યો છે.તાજેતરમાં તેણે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટને ધમકી આપી છે કે ભાવ વધારો નહીં આપો તો સપ્લાય ગમે ત્યારે બંધ કરી દઈશ અને અનહોની થયા બાદ જવાબદારી તમારી ફીક્સ થશે. તેને ભાવ વધારો ન આપવા જણાવી અન્ય એજન્સી સાથે વાતચીત ચાલુ કરી છે જે પ્રતિલીટર રૂ.1ના ઓછા ભાવે ઓક્સિજન આપવા તૈયાર છે. આ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ તજવીજ હાથ ધરી છે.

મોડાસાની વિનાયક ટ્રેડર્સ દ્વારા 50 પોર્ટેબલ સિલિન્ડરનું વિતરણ
હરી ફરી શકે તેવા અને ઓક્સિજન તથા બાઇપેપની સારવારવાળા દર્દીઓને ટોયલેટ વગેરેની જરૂરિયાત સમયે ઓક્સિજનની પાઇપ કાઢવી પડે છે તે દરમિયાન ઓક્સિજન લેવલની સમસ્યાનો સામનો કરવો પડે છે અને રીસ્ક પણ છે મોડાસાની વિનાયક ટ્રેડર્સ નામની ગેસ એજન્સીએ બુધવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દી અને સારવાર સ્ટાફને 8 લિટરના 50 જેટલા પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરનું વિતરણ કર્યું હતું. સતત પીપીઇ કીટમાં રહેવા દરમિયાન સારવાર સ્ટાફને પણ અમુક સમયે શ્વાસ લેવામાં સમસ્યા સર્જાય ત્યારે પોર્ટેબલ સિલિન્ડર ઉપયોગી બની રહે છે.

હિંમતનગર સિવિલમાં ઓક્સિજનની જરૂરિયાતમાં ઉછાળો
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન દર્દીઓની સંખ્યા વધવાની સાથે ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત પણ વધી છે. ઓગસ્ટ માસ દરમિયાન પ્રતિદિન 224.66 સિલિન્ડરની જરૂરિયાત રહી હતી તે સપ્ટેમ્બર માસમાં વધીને 434.90 થઈ હતી અને ઓક્ટોબર માસમાં તેમાં પણ વધારો થઈને પ્રતિદિનની જરૂરિયાત 481.05 સિલિન્ડર સુધી પહોંચી છે. આર.એમ.ઓ ડો. એન. એમ. શાહે જણાવ્યું કે એક સિલિન્ડરમાં 270 ક્યુબીક મીટર ઓક્સિજન હોય છે ઓગસ્ટ માસમાં 6740 સિલિન્ડર, સપ્ટેમ્બર માસમાં 13047 સિલિન્ડર અને ઓક્ટોબર માસના 19 દિવસમાં 9140 ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...