સા.કાં. જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા સાત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ વરસતાં જિલ્લાના 2 લાખ હેક્ટરમાં થયેલ ખરીફ વાવેતર પૈકી પિયતની સુવિધા ન ધરાવતું વાવેતર નિષ્ફળ જવાની સંભાવનાઓ પેદા થઈ છે. ખેતીની સાથે પૂરક વ્યવસાય તરીકે ચાલતા પશુપાલન વ્યવસાય પર જ ખેડૂતોને ચાલુ વર્ષે નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતીવાડી વિભાગ દ્વારા ઘાસચારો, મકાઈ, જુવાર સહિતના ટૂંકાગાળાના પાક લેવા જણાવાઈ રહ્યું છે.
સાબરકાંઠામાં જૂનના પ્રારંભે વરસાદ થતાં ખેડૂતોએ સારા વરસાદની આશાએ પૂરજોશમાં ખરીફ વાવેતર કરવા માંડ્યુ હતું. પરંતુ વરસાદે છેલ્લા છ સપ્તાહથી રીતસરની હાથતાળી આપી દેતાં પિયતની સુવિધા ન ધરાવતા ખરીફ વાવેતર પર રીતસરનું સંકટ તોળાઈ રહ્યું છે. છેલ્લા સાત વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં 22 જુલાઈ સુધીમાં સરેરાશ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલુ વર્ષે સરેરાશ 6 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમાંથી 24 કલાકમાં વડાલીમાં ખાબકેલા 8 ઈંચ વરસાદને બાદ કરવામાં આવે તો બાકીના 7 જિલ્લામાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ થયો છે જે પર્યાપ્ત નથી. ઓછા વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં છે.
કૃષિ વિભાગની ગાઈડલાઈન અનુસાર ઘાસચારો, મકાઈ, જુવારની ટૂંકાગાળાની જાતોનું વાવેતર કરવું હિતાવહ છે. નાયબ ખેતી નિયામક સૂર્યકાન્ત પ્રજાપતિએ જણાવ્યું કે 15 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં વરસાદ ન થાય તો ખેડૂતોએ ટૂંકાગાળાના પાકોનું વાવેતર કરવું જોઈએ અને ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપી તેનો વિસ્તાર વધારવો જોઈએ.
ચાલુ વર્ષે વરસાદની ઘટ છે ત્યારે ખેતીની સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન વ્યવસાય મુખ્ય છે. જિલ્લામાં 4,60,365 ગોધન, 4,17,332 ભેંસ, 47918 ઘેટા, 210550 બકરા અને 794 ઉંટ છે. જિલ્લામાં સરેરાશ 26 લાખ લિટર દૈનિક દૂધ સંપાદન થાય છે આવી સ્થિતિમાં ખેતીનુ નુકસાન પશુપાલનના વ્યવસાય થકી જ ભરપાઇ થઈ શકે તેમ છે.
છેલ્લા સાત વર્ષનો 22 જુલાઈ સુધીનો વરસાદ | ||
વર્ષ | સરેરાશ વરસાદ ટકાવારી | |
2021 | 154 | 18 |
2020 | 197 | 22.96 |
2019 | 202 | 23.89 |
2018 | 325 | 38.07 |
2017 | 336 | 40.77 |
2016 | 210 | 25.89 |
2015 | 234 | 29.39 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.